<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ભારતીય આકાશમાં ગુંજશે સ્વદેશી તાકાત: બેલ્જિયમની સુપરસોનિક રોકેટ ટેક્નોલોજી હવે પુણેના ઉત્પાદન એકમોમાં આકાર લેશે : ૨૦૨૭થી ભારત બનશે વૈશ્વિક સંરક્ષણ નિકાસનું નવું કેન્દ્ર

ભારતીય લશ્કર પાસે દુશ્મનના ટાર્ગેટને મીલીમીટરની ચોકસાઈથી ધ્વસ્ત કરવાની એવી તાકાત હશે જે અત્યાર સુધી આયાત પર નિર્ભર હતી

નવી દિલ્હી :  સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા તરફની સફરમાં એક અતિ રોમાંચક અને યુગ-પરિવર્તક વળાંક આવ્યો છે. યુરોપના શસ્ત્ર ઉત્પાદનમાં અગ્રણી થેલ્સ અને ભારતની દિગ્ગજ સંરક્ષણ કંપની કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ  વચ્ચે થયેલા ઐતિહાસિક કરારથી હવે બેલ્જિયમ ડિઝાઇન ધરાવતા અત્યાધુનિક ૭૦-એમએમ (70mm) રોકેટોનું ઉત્પાદન ભારતીય માટી પર થશે. આ માત્ર શસ્ત્રોના સ્થાનિકીકરણનો મામલો નથી, પરંતુ ભારતીય વાયુસેના અને સેનાના આક્રમક પ્લેટફોર્મ્સ—જેવા કે એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH રૂદ્ર) અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH પ્રચંડ)—ની હુમલા કરવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરવાનો માસ્ટરપ્લાન છે. ૨૦૨૭ની શરૂઆતમાં જ્યારે પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' રોકેટ ફેક્ટરીમાંથી બહાર આવશે, ત્યારે ભારતીય લશ્કર પાસે દુશ્મનના ટાર્ગેટને મીલીમીટરની ચોકસાઈથી ધ્વસ્ત કરવાની એવી તાકાત હશે જે અત્યાર સુધી આયાત પર નિર્ભર હતી.

આ ભાગીદારીની સૌથી દિલચસ્પ બાબત એ છે કે આ રોકેટ સિસ્ટમ કોઈ સામાન્ય શસ્ત્ર નથી, પરંતુ બહુભુખી ઉપયોગિતા ધરાવતો એક મલ્ટી-રોલ કિલર છે. આ ૭૦-એમએમ રોકેટ સિસ્ટમ નોન-ગાઇડેડ અને લેસર-ગાઇડેડ એમ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ બનશે. લેસર-ગાઇડેડ વર્ઝન ખાસ કરીને જમીન પરના સચોટ લક્ષ્યો, દુશ્મનની સખત બંકરો અને આધુનિક યુદ્ધક્ષેત્રમાં સૌથી મોટા પડકારરૂપ બનેલા ડ્રોન સ્વોર્મ્સ (Drone Swarms) ને હવામાં જ નેસ્તનાબૂદ કરવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. હવાઈ હુમલા ઉપરાંત, તેને જમીન આધારિત લોન્ચર્સ અને નૌકાદળના યુદ્ધ જહાજો પર પણ તૈનાત કરી શકાશે. વિશ્વભરના ૫૫ દેશોની ૭૦થી વધુ સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતી આ બેલ્જિયન ટેક્નોલોજીને કલ્યાણી ગ્રુપની હાઇ-ટેક એન્જિનિયરિંગ અને ટેસ્ટિંગ સુવિધાઓ સાથે જોડવામાં આવતા, રોકેટનું ઉત્પાદન અત્યંત ખર્ચ-અસરકારક અને વિશ્વસ્તરીય ગુણવત્તાવાળું બનશે.

વૈશ્વિક રાજનીતિ અને આર્થિક દ્રષ્ટિકોણથી આ કરાર ભારત માટે એક બહુમૂલ્ય જીત સમાન છે. ભારત હાલમાં વિશ્વનો પાંચમો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનાર અને બીજા ક્રમનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ છે, પરંતુ આ યોજનાથી ભારત 'આયાતકાર' માંથી 'વૈશ્વિક નિકાસકાર' બનવાની દિશામાં મોટો કૂદકો મારશે. બેલ્જિયમના વડા પ્રધાનની ભારત મુલાકાત દરમિયાન આખરી થયેલો આ કરાર માત્ર સ્થાનિક સેનાની જરૂરિયાતો પૂરી કરીને અટકી નહીં જાય. થેલ્સના વૈશ્વિક નેટવર્કનો ઉપયોગ કરીને ભારતમાં બનેલા આ રોકેટોની અન્ય મિત્ર દેશોમાં નિકાસ કરવામાં આવશે, જેનાથી દેશને કરોડો ડોલરનું વિદેશી હૂંડિયામણ મળશે. આ આંતરરાષ્ટ્રીય જોડાણ ભારત-બેલ્જિયમ સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવાની સાથે 'મેક ઇન ઇન્ડિયા' ની તાકાતનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડશે.

(6:59 PM IST)