News of Sunday, 3rd May 2026
કેનેડામાં કપિલ શર્માના કાફે પાસે અંધાધૂંધ ગોળીબારથી સનસનાટી: હાસ્ય કલાકારને મુંબઈ સુધી ટાર્ગેટ કરવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લાદ્દી કનેક્શન બાદ સોશિયલ મીડિયા પર કાફે બંધ કરવાની ચેતવણી સાથે વાયરલ પોસ્ટથી મનોરંજન જગતમાં ફફડાટ: કપિલના 'કેપ્સ કાફે' પર અગાઉ પણ ત્રણ વખત થયા હતા હુમલા

સરે:કેનેડાના સરેમાં સ્થિત હાસ્ય કલાકાર કપિલ શર્માના 'કેપ્સ કાફે' પાસે ફરી એકવાર ગોળીબારની ઘટના બનતા હડકંપ મચી ગયો છે. ૧૨૦ સ્ટ્રીટ પર આવેલા આ કાફેની બાજુમાં જ થયેલા ફાયરિંગ બાદ એક કથિત ધમકીભરી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાનું મુખ્ય નિશાન કપિલ શર્મા પોતે જ હતો. આ પત્રમાં કાફે તાત્કાલિક બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે, અન્યથા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને પણ ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ કાફે ખુલ્યા બાદ જુલાઈ ૨૦૨૫થી અત્યાર સુધીમાં ચાર જેટલી ગોળીબારની ઘટનાઓ સામે આવી ચુકી છે.
આ અગાઉ ૧૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ થયેલા હુમલામાં કાફેની બારીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા, જેની જવાબદારી કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાદ્દીએ સ્વીકારી હતી. ત્યાર બાદ ઓગસ્ટ અને ઓક્ટોબરમાં પણ આ જ સ્થળે હુમલાઓ થતા સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા હતા. કપિલ શર્માએ અગાઉ આ મામલે પોલીસ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ત્યાંની કાયદાકીય પ્રક્રિયા અલગ રીતે કામ કરે છે. જોકે, તાજેતરના હુમલા અને સીધી જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ કપિલ કે તેના મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
એક તરફ કપિલ શર્મા તેના નેટફ્લિક્સ શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા જેવા કલાકારો સાથે વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ વિદેશી ધરતી પર તેમના વ્યવસાય પર તોળાતું જોખમ ચિંતાનો વિષય બન્યું છે. મુંબઈના એક કાર્યક્રમમાં પણ કપિલે ગુંડાઓ પર પરોક્ષ રીતે ટિપ્પણી કરી હતી, જેનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કેનેડા પોલીસ આ મામલે ગેંગવોર અને આતંકી કનેક્શનની દિશામાં તપાસ કરી રહી છે, ત્યારે આ ઘટનાએ કેનેડામાં ભારતીય કલાકારો અને ઉદ્યોગપતિઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
