<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ઇન્દોરનો સોફ્ટવેર ડેવલપર 'ડિજિટલ અરેસ્ટ'માંથી માંડ બચ્યા બાદ બન્યો માસ્ટરમાઇન્ડ: 2,805 માલવેર APK ફાઇલ્સ બનાવી સાયબર ઠગોને વેચી, 150 કરોડનું કૌભાંડ!

એક સમયે પોતે જ સાયબર ઠગાઈનો શિકાર બનતા બચેલા સોફ્ટવેર એન્જિનિયરે ગુનાખોરીનો માર્ગ અપનાવી દેશભરના 9,600 નાગરિકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

મુંબઈ : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે સાયબર ગુનાખોરીની દુનિયામાં ખળભળાટ મચાવી દેનારા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઇન્દોરના રહેવાસી અને સોફ્ટવેર ડેવલપર પંકજ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે, જેના પર ૨,૮૦૫ ખતરનાક એપીકે (Android Package Kit) ફાઇલ્સ તૈયાર કરીને સાયબર ગુનેગારોને વેચવાનો ગંભીર આરોપ છે. આ માલવેર ફાઇલ્સના માધ્યમથી બિહાર અને ઝારખંડથી કાર્યરત સાયબર ઠગોની ટોળકીએ દેશભરમાં આશરે ૯,૬૦૦ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને ₹૧૫૦ કરોડથી વધુની મસમોટી ઠગાઈ આચરી હતી.

 

આ કેસની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આશરે પાંચ વર્ષ અગાઉ આરોપી પંકજ ગુપ્તા પોતે જ 'ડિજિટલ અરેસ્ટ' સ્કૅમનો ભોગ બનતા માંડ-માંડ બચ્યો હતો. જોકે, આ અનુભવમાંથી પાઠ ભણવાને બદલે અથવા સાયબર સુવિધાઓ સુરક્ષિત કરવાના બદલે, તેણે આ તકનીકી ગ્રે એરિયામાં કમાણીની કાળી તક જોઈ હતી. કોડિંગમાં નિષ્ણાત હોવાના કારણે તેણે જાતે જ એપીકે ફાઇલ્સ ડેવલપ કરી અને સાયબર ઠગોનો સંપર્ક સાધીને તેને વેચવાની ઓફર કરી હતી. આ એપીકે ફાઇલ્સ વાસ્તવમાં એક ડિજિટલ રિમોટ કંટ્રોલ તરીકે કામ કરતી હતી, જે ફાઈલ ડાઉનલોડ થતાં જ પીડિતના સ્માર્ટફોનનો સંપૂર્ણ કબજો ઠગોના હાથમાં સોંપી દેતી હતી.

 

આરોપીએ લોકોનો વિશ્વાસ જીતવા માટે અનેક સરકારી અને લોકપ્રિય સેવાઓના નામે આ નકલી એપીકે ફાઇલ્સ બનાવી હતી. જેમાં સિનિયર સિટિઝન કાર્ડ વેરિફિકેશન, ઈ-ટ્રાફિક ચલાન, પેન્શન વેરિફિકેશન, ક્રેડિટ કાર્ડ અપડેટ્સ અને પીએમ કિસાન યોજના જેવા પોર્ટલ્સના આબેહૂબ લેઆઉટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફાઇલ્સના ડેટા હોસ્ટ કરવા માટે તેણે વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી સર્વર પણ ભાડે લીધા હતા અને પ્રતિ ફાઇલ ₹૨૦,૦૦૦ થી ₹૨૫,૦૦૦ ની ઊંચી કિંમતે સાયબર ગુનેગારોને વેચતો હતો.

 

આ વિશાળ કૌભાંડનો પર્દાફાશ મુંબઈના ભાયખલા વિસ્તારમાં રહેતા એક વરિષ્ઠ નાગરિક સાથે થયેલી છેતરપિંડી બાદ થયો હતો. પીડિત સિનિયર સિટિઝનને બેંક પ્રતિનિધિ બનીને કોલ કરાયો હતો અને સિનિયર સિટિઝન કાર્ડની મદદ આપવાના નામે એક એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી, જેના પર ક્લિક કરતા જ તેમના ખાતામાંથી ₹૫.૬૨ લાખ ગાયબ થઈ ગયા હતા. ઘટનાની તપાસ કરી રહેલી પ્રોપર્ટી સેલે ટેકનિકલ સર્વેલન્સ અને સર્વર ડેટા ટ્રેક કરીને છેક ઇન્દોર પહોંચી આરોપી પંકજ ગુપ્તાને દબોચી લીધો હતો.

 

(7:43 PM IST)