News of Thursday, 2nd July 2026
ઉદ્યોગપતિ અનંત અંબાણી વિશેષ વિમાન દ્વારા મધ્ય પ્રદેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ પહોંચ્યા : મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞ-હવનમાં આપી આહુતિ : જુઓ વિડિયો
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અનંત અંબાણીને બાલાજી ભગવાન, સન્યાસી બાબા અને પ્રેતરાજ સરકારના કરાવ્યા દિવ્ય દર્શન : મહાઆરતીમાં સહભાગી થઈ ૧૧ કન્યાઓનું પૂજન કર્યું : ખજુરાહો એરપોર્ટ પર સાંસદ વિષ્ણુ દત્ત શર્મા સહિતના અગ્રણીઓએ કર્યું સ્વાગત

છતરપુર : દેશના અગ્રણી અને અબજોપતિ ઉદ્યોગપતિ અનંત અંબાણી ગુરુવારે સાંજે એક વિશેષ વિમાન મારફતે મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત સુપ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામની મુલાકાતે પહોંચ્યા હતા. બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઉદ્યોગપતિ અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમને ધામના પવિત્ર દિવ્ય દર્શન કરાવ્યા હતા. આ ધાર્મિક મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચેના આત્મીય સંબંધોની ઝાંખી કરાવતો એક રસપ્રદ નજારો પણ ફોટો સેશન દરમિયાન જોવા મળ્યો હતો, જેમાં અનંત અંબાણીએ હસતા મુખે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો હાથ પકડીને તેમને પોતાની પાસે ખેંચી લીધા હતા અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અગાઉ આપેલા આમંત્રણનો આદર કરીને પોતે અહીં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
પવિત્ર દર્શન અને આધ્યાત્મિક મહિમાની વિસ્તૃત જાણકારી મેળવી:
બાગેશ્વર ધામના મુકામ દરમિયાન પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અનંત અંબાણીને બાગેશ્વર બાલાજી ભગવાન, સન્યાસી બાબા અને પ્રેતરાજ સરકારના પાવન અને અલૌકિક દર્શન કરાવ્યા હતા. આ ધાર્મિક વિધિઓ અને દર્શનની સાથે તેમણે અનંત અંબાણીને બાગેશ્વર ધામની પ્રાચીન પરંપરાઓ, તેના ગૂઢ આધ્યાત્મિક મહત્વ અને સન્યાસી બાબાની દિવ્ય મહિમા વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. અનંત અંબાણીએ મંદિર પરિસરમાં બેસીને શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા-અર્ચના કરી હતી. દર્શનની આ ધન્ય પળો બાદ બંને મહાનુભાવોએ શ્રદ્ધાળુઓની ભારે મેદની વચ્ચે શ્રી બાગેશ્વર બાલાજી ભગવાનની ભવ્ય મહાઆરતીમાં ભાગ લીધો હતો અને દેશની પ્રગતિ, ધર્મ રક્ષા તથા જનકલ્યાણ માટે મંગલકામનાઓ કરી હતી.
વૈદિક યજ્ઞમાં આહુતિ આપી અને ૧૧ કન્યાઓનું પૂજન કર્યું:
મહાઆરતી સંપન્ન થયા બાદ અનંત અંબાણી અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ધામમાં આવેલી પવિત્ર યજ્ઞશાળાએ પહોંચ્યા હતા. જ્યાં કાશીથી પધારેલા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા થઈ રહેલા વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક અનુષ્ઠાન વચ્ચે અનંત અંબાણીએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પવિત્ર યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી સંપૂર્ણ વૈદિક પરંપરાઓનું પાલન કર્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ અનંત અંબાણીએ પરંપરા મુજબ ધામમાં ૧૧ નાની કન્યાઓનું વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે તમામ કન્યાઓને દક્ષિણા ભેટ ધરીને તેમના આશીર્વાદ લીધા હતા, તેમજ કાશીના વિદ્વાન બ્રાહ્મણોનું સન્માન કરી તેમના પાસેથી પણ શુભાશિષ પ્રાપ્ત કર્યા હતા. બાગેશ્વર ધામ તરફથી અનંત અંબાણીને મુગ્દર, બલજીવી રુદ્રાક્ષની માળા અને અંગ વસ્ત્ર ભેટ આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખજુરાહો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત અને જૂનું જોડાણ:
આ અગાઉ, અનંત અંબાણી જ્યારે વિશેષ વિમાન દ્વારા ખજુરાહો એરપોર્ટ પર ઉતર્યા ત્યારે બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્યો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ખજુરાહોના સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માએ પણ ખાસ મુલાકાત લઈને તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વચ્ચે ઘણા લાંબા સમયથી ઘનિષ્ઠ અને આત્મીય સંબંધો છે. અનંત અંબાણી બાગેશ્વર ધામમાં ૨૪ કલાક અવિરત ચાલતી 'અન્નપૂર્ણા રસોઈ' (ભંડારા)ના લોકકલ્યાણના કાર્યમાં પણ સમયસમય પર પોતાનું વિશેષ અને મોટું આર્થિક-સામાજિક યોગદાન આપતા રહે છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
