News of Saturday, 21st November 2026
કુલગામ હુમલાની આડમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની ઘૂસણખોરી: જમ્મુ-કાશ્મીર સહિત અન્ય રાજ્યોમાં હુમલાનું એલર્ટ!
લશ્કર-એ-તૈયબાની કમર તૂટતા પાકિસ્તાની હેન્ડલર્સે બદલી રણનીતિ : ૨૮-૨૯ તારીખે વધુ એક જૂથ ઘૂસવાની આશંકાથી સુરક્ષા દળોનું મેગા સર્ચ ઓપરેશન

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને પડકારવા માટે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોએ નવી ચાલ ચાલી હોવાનો ચોંકાવનારો ખુલાસો ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં થયો છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૧ નવેમ્બરના રોજ કુલગામમાં CRPF કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ જ્યારે સુરક્ષા દળો હુમલાખોર આતંકવાદીઓ મોહમ્મદ લતીફ ભટ અને ઉમર નિસાર ડારનો પીછો કરી રહ્યા હતા, ત્યારે તે જ તકનો લાભ લઈને પૂંચ વિસ્તારમાંથી ત્રણથી ચાર આતંકવાદીઓએ ભારતમાં ઘૂસણખોરી કરી હતી. AK-47 અને હેન્ડ ગ્રેનેડ જેવા ઘાતક હથિયારોથી સજ્જ આ આતંકવાદીઓ ૧૧ થી ૧૩ નવેમ્બર વચ્ચે સરહદ પાર કરીને દક્ષિણ કાશ્મીરમાં છુપાયા હોવાની પ્રબળ શક્યતા છે, અને તેઓ બે અલગ-અલગ જૂથોમાં વહેંચાઈને મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હોવાથી તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
આ ઘૂસણખોરીમાં સૌથી મોટો વ્યૂહાત્મક ફેરફાર એ જોવા મળ્યો છે કે આ વખતે ઘૂસેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના નહીં, પરંતુ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના છે. સૂત્રોનું કહેવું છે કે ૧૧ નવેમ્બરના હુમલા બાદ સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ—ખાસ કરીને સ્થાનિક આતંકી મોહમ્મદ લતીફ ભટના મોત બાદ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનું સ્થાનિક નેટવર્ક લગભગ ખતમ થઈ ગયું છે, જે ૩૫ વર્ષમાં પહેલીવાર બન્યું છે. લશ્કર અને TRF પ્રકાશમાં આવી જવાથી પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સે હવે રણનીતિ બદલીને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને મોકલ્યા છે, જેઓ જમ્મુ-કાશ્મીર ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ આતંકી પ્રવૃત્તિ કરવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
બીજી તરફ, ગુપ્તચર એજન્સીઓને એવા પણ ઇનપુટ મળ્યા છે કે આગામી ૨૮ કે ૨૯ તારીખની આસપાસ પાકિસ્તાનથી ત્રણથી ચાર આતંકવાદીઓનું વધુ એક જૂથ ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે, જેમના કઠુઆથી કિશ્તવાડ જિલ્લા તરફ આગળ વધવાના સંકેતો મળ્યા છે. સરહદ પારથી આંતરવામાં આવેલા ગુપ્ત સંદેશાવ્યવહાર અને નવા ઇનપુટ્સને પગલે જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને ભારતીય સેનાની સંયુક્ત ટીમોએ દક્ષિણ કાશ્મીર સહિતના શંકાસ્પદ ઠેકાણાઓ પર સઘન સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે, જેથી આતંકીઓ કોઈ પણ કાવતરાને અંજામ આપે તે પહેલાં જ તેમને ઝડપી શકાય કે ઠાર મારી શકાય.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
