News of Monday, 11th May 2026
વધશે મોંઘવારી - ઘટશે GDP... હવે ભારત પર પણ ખતરો
મિડલ ઈસ્ટમાં તણાવ લાંબો ખેંચાયો તો કાચા તેલની કિંમતો વધી શકે છે : ADB પ્રમાણે તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે

નવી દિલ્હી તા.૧૧: મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર દુનિયાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેની અસર ભારત પર પણ જોવા મળી શકે છે. એશિયન ડેવલોપમેન્ટ બેંક એટલે કે ADB એ ચેતવણી આપી છે કે મિડલ ઈસ્ટમાં જારી સંકટને કારણે કાચા તેલની કિમતો લાંબા સમય સુધી ઊંચી રહી શકે છે. તેનાથી ભારતમાં મોંઘવારી વધવાની સાથે આર્થિક વિકાસ દર પર પણ અસર પડી શકે છે.
PTI ના રિપોર્ટ પ્રમાણે ADB ના ચીફ ઈકોનોમિસ્ટ અલ્બર્ટ પાર્કે કહ્યુ કે જો મિડલ ઈસ્ટ સંકટ વધુ સમય સુધી યથાવત રહે તો સપ્લાય ચેન પર મોટી અસર પડશે અને સાથે કાચા તેલની કિમતોમાં વધારો થઈ શકે છે. તેમના નિવેદન પ્રમામે ૨૦૨૬મા કાચા તેલની એવરેજ કિમત ૯૬ ડોલર પ્રતિ બેરલ સુધી રહી શકે છે. તો ૨૦૨૭મા તે લગભગ ૮૦ ડોલર પ્રતિ બેરલ સુધી રહી શકે છે.
અલ્બર્ટ પાર્કે કહ્યુ કે આ સંકટની અસર ભારતના આર્થિક વિકાસ પર પણ પડશે. ADB નું અનુમાન છે કે ભારતના જીડીપી ગ્રોથમાં ૦.૬ ટકાનો ઘટાડો આવી શકે છે અને તે ઘટી ૬.૩ ટકા રહી શકે છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં ADB એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો GDP ગ્રોથ ૬.૯ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, જ્યારે આગામી નાણાકીય વર્ષમાં તે ૭.૩ ટકા પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. પરંતુ રાહતની વાત છે કે આગામી વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી શકે છે.
કાચા તેલની વધતી કિમતોની અસર માત્ર GDP સુધી સીમિત રહેશે નહીં. આ સાથે ભારતમાં મોંઘવારી પણ વધી શકે છે. ADB એ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દરનું અનુમાન પહેલા ૪.૫ ટકા લગાવ્યું હતું, જેને હવે વધારી ૬.૯ ટકા કરી દીધું છે. એટલે કે મોંઘવારીમાં ૨.૪ ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.
ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો તેલ અને ગેસ વિદેશોથી આયાત કરે છે. તેવામાં જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસ મોંઘા થાય છે તો તેની સીધી અસર ભારત પર પડે છે. આ સિવાય ગેસની કિમતો વધવાથી ખાતર મોંઘા થશે, જેનાથી ખેડૂતોનો ખર્ચ વધશે.
જો ખેડૂતો ઓછા ખાતરનો ઉપયોગ કરે છે તો પાકનું ઉત્પાદન ઘટી શકે છે. તેની સીધી અસર ખાદ્ય પદાર્થોની કિમત પર પડશે. એટલે કે મિડલ ઈસ્ટમાં તણાવ લાંબો ચાલ્યો તો તેની સીધી અસર ભારતમાં મોંઘવારી પર પડશે, જેની સીધી અસર સામાન્ય લોકો પર થશે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
