<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

એનસીપીમાં આંતરિક બળવો: રાષ્ટ્રીય અધ્યક્ષ પદે સુનેત્રા પવારની નિમણૂકને પોતાની જ પાર્ટીના નેતાએ લીગલ નોટિસ મોકલી કાનૂની પડકાર ફેંક્યો

રાષ્ટ્રીય સચિવ સચ્ચિદાનંદ સિંહે પ્રફુલ્લ પટેલ અને બ્રિજમોહન શ્રીવાસ્તવ સહિતના નેતાઓને નોટિસ મોકલી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા ગેરકાયદે ગણાવી ફરીથી નિષ્પક્ષ ચૂંટણી યોજવા માંગ કરી

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારના આકસ્મિક અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ફરી એકવાર મોટા રાજકીય ભૂકંપના સંકેતો મળી રહ્યા છે. એક તરફ શરદ પવારની એનસીપી (એસપી) ભાજપની આગેવાની હેઠળની મહાયુતિમાં સામેલ થવાની ચર્ચાઓ જોરમાં છે, ત્યારે બીજી તરફ સુનેત્રા પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથમાં આંતરિક કલહ સપાટી પર આવી ગયો છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા પવારની એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કરાયેલી નિમણૂકને હવે પક્ષની અંદરથી જ કાનૂની પડકાર આપવામાં આવ્યો છે. એનસીપીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય સચિવ સચ્ચિદાનંદ સિંહે પોતાના વકીલ મારફતે સત્તાવાર લીગલ નોટિસ મોકલીને આ નિમણૂક સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ફરીથી ચૂંટણી યોજવાની ઉગ્ર માંગ કરી છે.

 

 અજિત પવારના અવસાન બાદ પ્રફુલ્લ પટેલે જ પ્રસ્તાવ મૂક્યો હતો:

ભૂતપૂર્વ પક્ષ પ્રમુખ અને તત્કાલીન ઉપમુખ્યમંત્રી અજિત પવારનું ગત ૨૮ જાન્યુઆરીના રોજ પુણે જિલ્લાની બારામતી એરસ્ટ્રીપ નજીક એક વિમાન દુર્ઘટનામાં કરૂણ અવસાન થયું હતું. તેમના અવસાનના ચાર દિવસ બાદ ૩૧ જાન્યુઆરીએ શ્રીમતી સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નવા ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ પક્ષમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ચર્ચાઓ તેજ થઈ હતી, જેમાં શરૂઆતમાં પ્રફુલ્લ પટેલનું નામ મોખરે હતું. જોકે, ૨૬ ફેબ્રુઆરીએ આયોજિત એનસીપીની સામાન્ય સભામાં પ્રફુલ્લ પટેલે પોતે જ શ્રીમતી સુનેત્રા પવારને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા હતા અને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે શ્રીમતી સુનેત્રા પવારને સરકારમાં ઉપમુખ્યમંત્રી પદની સાથે પક્ષના સર્વોચ્ચ પદની જવાબદારી પણ સોંપાઈ હતી.

 

 પક્ષ પ્રમુખની ચૂંટણી ગેરકાયદેસર હોવાનો નોટિસમાં દાવો:

હવે આ જ નિમણૂક સામે પક્ષના રાષ્ટ્રીય સચિવ સચ્ચિદાનંદ સિંહે કડક વાંધો નોંધાવ્યો છે. તેમણે ગયા અઠવાડિયે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સુનેત્રા પવાર, કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ અને પક્ષના સચિવ બ્રિજમોહન શ્રીવાસ્તવને કાનૂની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ૨૬ ફેબ્રુઆરીના રોજ જે પ્રક્રિયા હેઠળ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી તે સંપૂર્ણપણે અમાન્ય અને ગેરકાયદેસર હતી. આથી, આ નિમણૂકને તાત્કાલિક અસરે રદ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ફરીથી લોકશાહી અને નિષ્પક્ષ ઢબે નવેસરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

 નવા પદાધિકારીઓની યાદીને પણ અમાન્ય ગણવા દબાણ:

કાનૂની નોટિસમાં વધુમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી પક્ષમાં નવેસરથી કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પક્ષના સુધારેલા અથવા નવા પદાધિકારીઓની સત્તાવાર યાદીને પણ તદ્દન અમાન્ય ગણવામાં આવે. આ અણધાર્યા ઘટનાક્રમે એનસીપી (અજિત પવાર જૂથ) ની અંદર વ્યાપેલા આંતરિક અસંતોષ અને વિખવાદને ફરી એકવાર જાહેરમાં લાવી દીધો છે. જોકે, આ ગંભીર લીગલ નોટિસ મુદ્દે એનસીપીના ટોચના વરિષ્ઠ નેતૃત્વ કે પ્રવક્તા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં આ મામલે મોટો ઉલટફેર થવાની પૂરેપૂરી સંભાવના છે.

(7:27 PM IST)