News of Wednesday, 18th November 2026
દુબઈમાં સાયબર ઠગાઈ માટે હજારો સિમ કાર્ડ સપ્લાય કરનાર આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ: માસ્ટરમાઇન્ડ સહિત સાત ઝડપાયા
પિંપરી-ચિંચવડ પોલીસે યુએઈથી નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપીની ઇન્ટરપોલની મદદથી ધરપકડ કરી છે, જે ચીની નાગરિકો સાથે મળીને કૌભાંડ આચરતો હતો.

પિંપરી (પુણે), : પુણેની પિંપરી-ચિંચવડ સાયબર પોલીસે દુબઈ સ્થિત સાયબર ફ્રોડ નેટવર્કને ૧૦ હજારથી ૧૨ હજાર જેટલા સિમ કાર્ડ સપ્લાય કરવાના મોટા આંતરરાષ્ટ્રીય રૅકેટનો પર્દાફાશ કરીને યુએઈથી ઓપરેટ કરનારા માસ્ટરમાઇન્ડ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.
આ મોટા કૌભાંડની વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર કૉલ કરવા, ફેક એપ્લિકેશન્સ રજિસ્ટર કરવા, ઠગાઈના નાણાં હેરફેર માટે બેંક ખાતા જોડાવા તેમજ સાયબર ગુનેગારોની ઓળખ છુપાવવા માટે બોગસ ઈ-મેઈલ આઈડી બનાવવામાં થતો હતો.
આ કેસની શરૂઆત ચિખલીના રહેવાસી તુષાર ચૌધરી સામે નોંધાયેલા ગુનાથી થઈ હતી, જેણે સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે મ્યૂલ બેંક એકાઉન્ટ પૂરું પાડ્યું હતું અને પોલીસ તપાસમાં તેના સાથીદાર આદર્શ વાઘમારેનું નામ બહાર આવ્યું હતું.
આ બંનેની પૂછપરછ દરમિયાન દુબઈથી સાયબર નેટવર્ક ચલાવતા માસ્ટરમાઇન્ડ સુમન ઉર્ફે નાનુ દસારેનું નામ ખુલતા લુકઆઉટ સર્ક્યુલર અને ઇન્ટરપોલની મદદથી તેને મુંબઈ એરપોર્ટ પર ડિપોર્ટ કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યાં તપાસમાં તે ચીની નાગરિક સાથે મળીને આ નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.
માસ્ટરમાઇન્ડ દસારેએ અંબરનાથના મનીષ વાધવા અને કલ્યાણના મહેશ ચોઇથરામાણી પાસેથી આ સિમ કાર્ડ મેળવ્યા હતા, જેઓ આગળ વિક્રોલીના સૂરજ ચિકવા અને થાણેના રાજા અશોક કુમાર પાસેથી સિમ કાર્ડ મેળવીને દુબઈ મોકલતા હતા, અને પોલીસે આ તમામની ધરપકડ કરી લીધી છે.
હાલમાં પોલીસ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય આ સાયબર ઠગ ટોળકીના અન્ય સંપર્કો અને ચીની કનેક્શન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
