News of Saturday, 16th May 2026
IPL 2026 માં ટિકિટોના કાળાબજારનું મહાકૌભાંડ: મફતના પાસ ₹80,000 માં વેચાયા, DDCA ના ટોચના અધિકારી જ નીકળ્યા આ આખા સટ્ટાબાજી રેકેટના કિંગપિન!
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ બહાર પેટ્રોલ પંપ પરથી ચાલતું હતું પાસ વિતરણનું આખું સિન્ડિકેટ; વિરાટ કોહલીની મેચ જોવા ચાહકોની દીવાનગીનો ઉઠાવાયો ફાયદો, ક્રાઈમ બ્રાન્ચના દરોડા

નવી દિલ્હી : વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનવાન ક્રિકેટ લીગ IPL 2026 માં ક્રિકેટ ચાહકોની દીવાનગીનો ફાયદો ઉઠાવીને કરોડો રૂપિયાનું કાળું નાણું બનાવવાનું એક ખૂબ જ મોટું પ્રીમિયમ ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે. દિલ્હી પોલીસે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ મેચોના 'કોમ્પ્લિમેન્ટરી પાસ' (મફત ટિકિટ) ના ગેરકાયદેસર અને ઊંચા ભાવે વેચાણ કરવાના કેસમાં દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના જ એક અતિ વરિષ્ઠ અધિકારીને મુખ્ય સૂત્રધાર (આરોપી) તરીકે જાહેર કર્યા છે. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' ના શનિવારના અહેવાલ મુજબ, આ આખું રેકેટ એટલું સુવ્યવસ્થિત રીતે ચાલતું હતું કે મફત મળતા પાસ બ્લેકમાં એક-એક ટિકિટ દીઠ ₹૮૦,૦૦૦ સુધીના અધધ ભાવે વેચવામાં આવી રહ્યા હતા.
પેટ્રોલ પંપ પરથી ઓપરેટ થતું હતું કાળાબજારનું આખું નેટવર્ક
દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ પાછળ એક આખી સુવ્યવસ્થિત ગેંગ કામ કરી રહી હતી. DDCA ના ભ્રષ્ટ વરિષ્ઠ અધિકારી સ્ટેડિયમની વીઆઈપી અને પ્રીમિયમ ટિકિટોના મફત પાસ સીધા જનતા સુધી પહોંચાડવાને બદલે પોતાના આ સિન્ડિકેટને સોંપી દેતા હતા. અરુણ જેટલી સ્ટેડિયમની બિલકુલ બાજુમાં આવેલા એક પેટ્રોલ પંપ પર આ ગેંગનો મુખ્ય સુપરવાઈઝર તૈનાત રહેતો હતો, જે વિતરણ પ્રભારી તરીકે કામ કરતો હતો. તે પ્રોફેસરની જેમ આખું મેનેજમેન્ટ સંભાળીને સ્ટેડિયમની આસપાસ ઊભેલા યુવાનોને પાસ સપ્લાય કરતો હતો, જેઓ ગ્રાહકો શોધીને બ્લેકમાં ટિકિટો પધરાવી દેતા હતા. પોલીસના અંદાજ મુજબ, દરેક મેચમાં અંદાજે ૧,૦૦૦ થી ૧,૨૦૦ મફત પાસ આ રીતે ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યા હતા.
વિરાટ કોહલીના ક્રેઝનો ફાયદો: ₹૮,૦૦૦ ની ટિકિટ ₹૮૦,૦૦૦ માં ગઈ!
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સિન્ડિકેટ શેરબજારની જેમ મેચની પ્રોફાઇલ અને ખેલાડીઓના 'સ્ટાર વેલ્યુ' ના આધારે ટિકિટના ભાવો પલભરમાં બદલી નાખતું હતું. જ્યારે દિલ્હીના સ્ટેડિયમમાં વિરાટ કોહલીની મેચ હતી, એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની મેચ પહેલા ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. આ તકનો લાભ ઉઠાવીને કાળાબજારીયાઓએ એક-એક કોમ્પ્લિમેન્ટરી પાસના ઓછામાં ઓછા ૮૦,૦0૦ રૂપિયા વસૂલ્યા હતા. સામાન્ય મેચોમાં પણ ટિકિટની કિંમત માંગના આધારે ૮,૦૦૦ રૂપિયાથી શરૂ કરીને ૮૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચાડવામાં આવતી હતી. મેચ શરૂ થવાની થોડી મિનિટો પહેલાં જ્યારે ક્રેઝ ટોચ પર હોય, ત્યારે ભાવો આસમાને પહોંચાડી દેવાતા હતા.
સટ્ટાબાજો અને ગુનેગારોને અપાયા VIP પાસ, ડીસીપીનો ખુલાસો
નિયમો મુજબ, બીસીસીઆઈ (BCCI) દ્વારા દરેક રાજ્ય ક્રિકેટ એસોસિએશનને સ્ટેડિયમની કુલ ક્ષમતાના ૧૦ થી ૧૫ ટકા પાસ મફત વહેંચવા માટે આપવામાં આવે છે, જેનો આ આરોપીઓએ દુરુપયોગ કર્યો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP ક્રાઈમ બ્રાન્ચ) સંજીવ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ગત ૮ મેના રોજ આ કેસમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ સિન્ડિકેટે માત્ર સામાન્ય પ્રશંસકોને જ નહીં, પરંતુ સ્ટેડિયમની અંદર બેસીને ઓનલાઈન લાઈવ સટ્ટો રમાડતા બુકીઓ, સટ્ટાબાજીના નેટવર્ક, ખિસ્સાકાતરૂઓ અને અન્ય ગુનાહિત તત્વોને પણ મોટી રકમ લઈને આ પ્રીમિયમ વીઆઈપી ટિકિટો વેચી હતી.
ડીડીસીએ મૌન, તપાસ તેજ:
આટલું મોટું કૌભાંડ અને સંસ્થાના જ ટોચના અધિકારીનું નામ મુખ્ય આરોપી તરીકે બહાર આવ્યા છતાં, ડીડીસીએ (DDCA) પ્રશાસન દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કે બચાવ કરવામાં આવ્યો નથી. ક્રાઈમ બ્રાન્ચ હાલમાં સટ્ટાબાજો સાથેના કનેક્શન અને આ સિન્ડિકેટમાં સામેલ અન્ય ક્રિકેટ બોર્ડના સભ્યોની ભૂમિકાની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેથી આગામી દિવસોમાં વધુ કેટલીક મોટી ધરપકડો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
