News of Monday, 13th July 2026
ઈરાન-અમેરિકા આમને-સામનેઃ પરમાણુ પ્લાન્ટ પર તબાહી-યુએસ એરબેઝ ધ્વસ્ત
સેટેલાઇટ તસવીરોએ ખોલ્યું સત્યઃ જોર્ડન, કતાર અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો ધણધણ્યા જવાબી કાર્યવાહીમાં ઇરાને યુએસને ધમકી આપીને હુમલાઓની નિંદા કરી છે અને તેમને યુએન ચાર્ટરનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું

દુબઈ, તા.૧૩: મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો વર્ષો જૂનો તણાવ હવે સીધા અને વિનાશક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. તાજેતરના દિવસોમાં બંને દેશોએ એકબીજા પર અત્યાર સુધીના સૌથી શક્તિશાળી લશ્કરી પ્રહારો કર્યા છે. ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા જાહેર કરાયેલી તાજી સેટેલાઇટ છબીઓએ પુષ્ટિ કરી છે કે પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં સ્થિત યુએસ સૈન્ય મથકો પર ઈરાની બેલિસ્ટિક મિસાઈલોએ ભારે વિનાશ વેર્યો છે. જોર્ડનમાં પ્રિન્સ હસન એર બેઝ પર અમેરિકાનું અત્યાધુનિક MQ-4C ટ્રાઇટોન ડ્રોન હેંગર સંપૂર્ણપણે રાખ થઈ ગયું છે, જ્યારે કતારના અલ-ઉદેદ એર બેઝ અને બહેરીનમાં અમેરિકી ૫મા ફ્લીટ હેડક્વાર્ટર નજીકની સપ્લાય લાઇનને ઈરાની ચોકસાઈવાળા શષાોએ સફળતાપૂર્વક નિશાન બનાવીને અમેરિકી સુરક્ષાના દાવાઓની હવા કાઢી નાખી છે.આ ભીષણ હુમલાના જવાબમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની અંદર પ્રચંડ સૈન્ય કાર્યવાહી શરૂ કરીને પલટો વાર્યો છે. અમેરિકી વાયુસેનાએ ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારો, મિસાઈલ લોન્ચિંગ સાઇટ્સ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીકના કમાન્ડ સેન્ટરો પર બોમ્બમારો કર્યો છે. સૌથી ચોંકાવનારી વિગત સેટેલાઇટ તસવીરોમાં એ સામે આવી છે કે, ઈરાનના સંવેદનશીલ બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટ સંકુલની અંદર આવેલી એક મહત્વપૂર્ણ ઇમારત અમેરિકી હુમલામાં સંપૂર્ણપણે નાશ પામી છે. આ ઇમારત બે નવા પરમાણુ રિએક્ટરના બાંધકામનો ભાગ હતી અને તે મુખ્ય કાર્યરત પરમાણુ રિએક્ટરથી માત્ર થોડા જ મીટર દૂર હોવાથી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી ના ચીફ રાફેલ ગ્રોસીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે જો મુખ્ય રિએક્ટરને નુકસાન થયું હોત તો સેંકડો કિલોમીટર સુધી રેડિયોલોજીકલ આપત્તિ ફેલાઈ ગઈ હોત.
આ વૈશ્વિક સંઘર્ષનું મુખ્ય કેન્દ્રબિંદુ હોર્મુઝ સ્ટ્રેટ છે, જ્યાંથી વિશ્વનો ૨૦ ટકા તેલનો વેપાર પસાર થાય છે અને ઈરાન તેના પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ સ્થાપવા માંગે છે જેને અમેરિકા આંતરરાષ્ટ્રીય શિપિંગની સ્વતંત્રતા માટે મોટો ખતરો ગણાવે છે. જુલાઈ મહિનામાં ઈરાન દ્વારા એક કોમર્શિયલ કન્ટેનર જહાજ પર કરાયેલા હુમલા બાદ યુએસ સેનાએ તેહરાનની સૈન્ય ક્ષમતાને તોડી પાડવા આ નવો મોરચો ખોલ્યો છે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી છે અને ચેતવણી આપી છે કે જો કોઈ પડોશી દેશ અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા દેશે, તો તેને પણ ઈરાની મિસાઈલોનો સામનો કરવો પડશે. આ મહાયુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સમગ્ર મધ્ય-પૂર્વ પર પરમાણુ પ્રદૂષણ અને આર્થિક પાયમાલીના કાળા વાદળો ઘેરાયા છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
