News of Friday, 15th May 2026
ઈરાન સંકટ: ચીનને મનાવવામાં લાગેલા ટ્રમ્પને રશિયાનો સણસણતો ટોણો, ‘શાંતિ જોઈતી હોય તો પાકિસ્તાન નહીં, ભારત પાસે જાઓ’
પશ્ચિમ એશિયાના યુદ્ધમાં ઘેરાયેલા અમેરિકી પ્રમુખની લાચારી પર રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવનો મોટો પ્રહાર : પાકિસ્તાનની દગાબાજી અને ચીનની કુટનીતિ વચ્ચે ભારતને ગણાવ્યું સૌથી વિશ્વસનીય મધ્યસ્થી

મોસ્કો: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ સંકટની વચ્ચે વૈશ્વિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચારેબાજુથી ઘેરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની શાખ બચાવવા અને શાંતિ કરાર કરવા માટે હાલમાં બેઇજિંગમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પની આ છટપટાહટ અને લાચારી વચ્ચે રશિયાએ અમેરિકાને અત્યંત આકરી અને સચોટ સલાહ આપી છે. રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે બ્રિક્સ (BRICS) પ્લેટફોર્મ પરથી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા ખરેખર આ યુદ્ધનો કાયમી અને સન્માનજનક ઉકેલ ઈચ્છતું હોય, તો તેણે ચીન કે પાકિસ્તાન સામે હાથ ફેલાવવાને બદલે ભારતના વ્યાપક રાજદ્વારી અનુભવ અને વૈશ્વિક સમર્થનનો આશરો લેવો જોઈએ.
રશિયાએ આ સલાહ પાછળ અત્યંત નક્કર કારણો આપતા પાકિસ્તાનની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. લાવરોવના મતે, પાકિસ્તાન માત્ર ટૂંકા ગાળાની મધ્યસ્થી કે 'ફાયર ફાઇટીંગ' જેવી નાની સહાય કરી શકે છે, પરંતુ તેના પર લાંબા ગાળાનો ભરોસો ન કરી શકાય. તાજેતરમાં જ જ્યારે પાકિસ્તાને પોતાના નૂર ખાન એરબેઝ પર ઈરાની જેટ વિમાનોને છુપાવીને અમેરિકાની પીઠમાં છરો ભોંક્યો હતો, ત્યારથી વોશિંગ્ટન પણ સ્તબ્ધ છે. રશિયાએ ખુલ્લા મંચ પરથી અમેરિકાને અરીસો બતાવતા કહ્યું કે ઈરાન અને અમેરિકા જેવા બે કટ્ટર વિરોધીઓને એક ટેબલ પર લાવવાની ક્ષમતા અને નૈતિક તાકાત માત્ર નવી દિલ્હી પાસે જ છે, કારણ કે ભારતની આંતરરાષ્ટ્રીય છબી હંમેશા નિષ્પક્ષ અને શાંતિપ્રિય રહી છે.
વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ફુગાવા અને યુદ્ધ નીતિઓના કારણે ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે અને પોતાની ડૂબતી પ્રતિષ્ઠા બચાવવા માટે ચીન સાથે કોઈ પણ ભોગે ડીલ કરવા આતુર છે. ટ્રમ્પની આ રણનીતિને રશિયાએ પશ્ચિમ એશિયામાં અમેરિકાની શ્રેણીબદ્ધ ભૂલોનું પરિણામ ગણાવ્યું છે. રશિયાના આ કડક વલણ અને ખુલ્લા સમર્થનથી વૈશ્વિક સ્તરે ભારતનું કદ ફરી એકવાર સર્વોપરી સાબિત થયું છે, જ્યારે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફજેતી થઈ છે. હવે જોવાનું એ રહેશે કે રશિયાની આ વ્યવહારુ ચેતવણી બાદ અમેરિકા ચીનની આશા છોડીને કાયમી શાંતિ માટે ભારત તરફ વળે છે કે નહીં.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
