News of Friday, 30th October 2026
ઓમાનની દરિયાઈ હદમાં કચ્છના માંડવીના વહાણ ઉપર ઈરાનનો ડ્રોન હુમલો: બે ને ઈજા, તમામ ૧૩ ખલાસીઓનો આબાદ બચાવ
દુબઈથી સોમાલિયા જતું MNV 2183 જહાજ આગની લપેટમાં આવ્યું હોવાના અહેવાલ; ઈરાનની સંડોવણીની આશંકા વચ્ચે કચ્છના ખલાસી પરિવારોમાં ચિંતાનો માહોલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૦ : ઓમાનની દરિયાઈ હદમાં કચ્છના માંડવી સાથે સંકળાયેલા જહાજ પર ડ્રોન હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. દુબઈથી સોમાલિયાના બોસાસો બંદર તરફ જઈ રહેલા ૧૨૦૦ ટનના MNV 2183 ‘કુબા’ વહાણને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે હુમલાની જવાબદારી અને તેની પાછળનાં કારણો અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મધદરિયે જહાજ સાથે સશસ્ત્ર ડ્રોન અથડાતાં મોટો વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ જહાજમાં આગ લાગી હતી. આ ઘટનામાં જહાજને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે. અચાનક સર્જાયેલી આ ઘટનાને પગલે જહાજ પર સવાર ખલાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
*૧૩ ખલાસીઓનો બચાવ, બેને ઈજા*
આ ઘટના સમયે જહાજ પર કુલ ૧૩ ખલાસીઓ સવાર હતા. તેઓ કચ્છના માંડવી અને સલાયા પંથકના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે તમામ ૧૩ ખલાસીઓએ દરિયામાં ડૂબકી લગાવતાં તેમનો આબાદ બચાવ થયો છે. જોકે, વિસ્ફોટમાં બે ખલાસીઓને ઈજા થતાં તેમને વધુ સારવાર માટે ઓમાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો છે. અન્ય ૧૧ ખલાસીઓ સુરક્ષિત હોવાનું જણાવાઈ રહ્યું છે. ૨૦૧૨ માં માંડવીમાં બનેલું આ વહાણ મુંબઈના અબ્દુલ ઈકબાલ મકલાઈની માલિકીનું છે.
ઘટનાની જાણ થતાં ઓમાનના સ્થાનિક માછીમારો અને સુરક્ષા એજન્સીઓ મદદ માટે પહોંચી ગયાં હતાં. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે તમામ ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં આ ઘટનાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, હુમલાની ચોક્કસ પરિસ્થિતિ, જવાબદાર પક્ષ અને વહાણને થયેલા નુકસાન અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ ઘટનાના સમાચારને પગલે કચ્છના માંડવી અને સલાયા પંથકમાં રહેતા ખલાસીઓના પરિવારોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. તમામ ખલાસીઓનો બચાવ થયો હોવાના અહેવાલોથી પરિવારોને રાહત મળી છે, પરંતુ ઈજાગ્રસ્ત ખલાસીઓની સારવાર અને જહાજની સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
