News of Sunday, 6th September 2026
અમેરિકી યુદ્ધજહાજો ઉપર ઈરાને બેલિસ્ટિક મિસાઇલો છોડતાં દરિયામાં જંગી ગરમાવો; વળતા પ્રહારમાં ત્રણ ઈરાની તેલવાહક જહાજો નિશાન બન્યાં
હુમલામાં કોઈ અમેરિકી સૈનિક ઘાયલ નહીં; ઈરાને વધુ જહાજો નિશાન બનાવ્યાનો દાવો કર્યો, પરંતુ સ્વતંત્ર પુષ્ટિ હજુ થઈ નથી

દુબઈ, તા. ૫ : ઈરાન અને અમેરિકા વચ્ચેનો સૈન્ય સંઘર્ષ ફરી ભડક્યો છે. ઈરાને બે અમેરિકી નૌકાદળનાં જહાજો ઉપર બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા બાદ અમેરિકાએ ત્રણ ઈરાની તેલવાહક જહાજોને નિશાન બનાવ્યાં હતાં.
અમેરિકી મધ્યસ્થ કમાન્ડના જણાવ્યા પ્રમાણે વિમાનવાહક જહાજ અને વિનાશક જહાજ ઉપર થયેલા હુમલામાં કોઈ સૈનિક ઘાયલ થયો નથી. ત્યારબાદ અમેરિકી દળોએ ખાર્ગ ટાપુ નજીક એક તથા ઓમાનના અખાત વિસ્તારમાં બે ઈરાની તેલવાહક જહાજો ઉપર હુમલો કર્યો હતો. એક ખાલી જહાજ નષ્ટ થયું હોવાનું અને બે જહાજોને ગંભીર નુકસાન પહોંચ્યાનું જણાવાયું છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે સામુદ્રધુનીમાંથી અનધિકૃત રીતે પસાર થતાં ત્રણ તેલવાહક અને અમેરિકા સાથે જોડાયેલાં અન્ય ત્રણ જહાજોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. ખાર્ગ નજીકના હુમલામાં જાનહાનિના અહેવાલ નથી અને જહાજના કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. વધતા તણાવથી વૈશ્વિક તેલ પુરવઠા અંગે નવી ચિંતા સર્જાઈ છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
