<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ઇરાન પર ફરી સૈન્ય હુમલા શરૂ કરવા અંગે વિચારણા કરી રહ્યો છું - ડોનાલ્ડ ટ્રમ્પ

ઇરાનની ૭ દિવસની યુદ્ધવિરામની દરખાસ્ત અમેરિકાએ ફગાવી : ઓઇલ પરના પ્રતિબંધો અને નેવલ બ્લોકેડ હટાવવાની ઇરાનની શરત ટ્રમ્પે અસ્વીકાર કરી

વોશિંગ્ટન:અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઇરાન સામે ફરીથી લશ્કરી હુમલા શરૂ કરવા અંગે સક્રિયપણે વિચારણા કરી રહ્યા છે. 'અનાદોલુ એજન્સી' અને 'ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ' ના અહેવાલો મુજબ, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઇરાન પર વધુ લશ્કરી કાર્યવાહી કરવાનો વિકલ્પ ખુલ્લો છે અને તેઓ આ અંગે સતત વિચાર કરી રહ્યા છે.

આ દરમિયાન ઇરાન દ્વારા રજૂ કરવામાં આવેલી સાત દિવસના યુદ્ધવિરામની પ્રપોઝલને અમેરિકાએ ફગાવી દીધી છે. ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું મૂકવા અને ન્યુક્લિયર ટોક (પરમાણુ વાટાઘાટો) પુનઃ શરૂ કરવાના બદલામાં ઓઇલ પરના સબંધિત પ્રતિબંધો હટાવવા, અમેરિકી નૌકાદળની ઘેરાબંધી (નેવલ બ્લોકેડ) સમાપ્ત કરવા અને લેબનાન સહિતના સમગ્ર ક્ષેત્રમાં વ્યાપક યુદ્ધવિરામ લાગુ કરવાની શરત મૂકી હતી. જોકે, ટ્રમ્પે આ શાંતિ પ્રસ્તાવને અસ્વીકાર કરીને તેહરાન પર આર્થિક દબાણ ચાલુ રાખવાની નીતિ સ્પષ્ટ કરી છે.

અહેવાલો અનુસાર, નવેમ્બર મહિનામાં યોજાનારી અમેરિકી મિડટર્મ ચૂંટણીઓ બાદ ઇરાન પર મોટા પાયે લશ્કરી બોમ્બમારો પુનઃ શરૂ કરવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ સાથે જ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં ઇરાની પ્રતિનિધિઓ સાથે રાજદ્વારી વાટાઘાટો અને ચર્ચાનો દોર પણ જારી રહેશે.

(10:03 PM IST)