<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ટ્રમ્પના દાવા સામે ઈરાનની કડક સિંહગર્જના: હોર્મુઝ પર માત્ર IRGCનો જ રહેશે દબદબો

ટ્રમ્પ દ્વારા યુદ્ધ અટકાવવા અને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવાના પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો : જહાજોની અવરજવર પર ઈરાની સૈન્ય જ લેશે અંતિમ નિર્ણય

તેહરાન:   મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન ફરી એકવાર સામસામે આવી ગયા છે.  ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તેઓ ઈરાન પરના નવા સૈન્ય હુમલા રોકવા માટે સેનાને આદેશ આપશે, કારણ કે પ્રાદેશિક સાથી દેશો પાંચ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા સંમતિ પર પહોંચી રહ્યા છે. ટ્રમ્પના પ્રસ્તાવ મુજબ, હોર્મુઝ ને તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ખોલવો તેમજ ઈરાનના પરમાણુ ખતરાને દૂર કરવાનો સમાવેશ થાય છે, જેના બદલામાં અમેરિકા પોતાની નૌકાદળ નાકાબંધી હટાવીને ઈરાનને તેલ નિકાસ કરવાની છૂટ આપશે.

જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાઓને ત્વરિત ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર માત્ર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નૌકાદળનું જ ચુસ્ત નિયંત્રણ રહેશે. ઈરાનના સંરક્ષણ મંત્રીએ X (ટ્વિટર) પર આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે તેમનો દેશ અમેરિકી ધમકીઓ સામે પૂરી રીતે વિજિલન્ટ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી અમેરિકી કાર્યવાહી અને દબાણ ચાલુ રહેશે ત્યાં સુધી સ્ટ્રેટ પરના પ્રતિબંધો યથાવત રહેશે અને કોઈપણ જહાજને માત્ર IRGCની ખાસ મંજૂરી બાદ જ નિયુક્ત માર્ગો પરથી પસાર થવા દેવાશે.

મધ્યસ્થી પ્રયાસોમાં સામેલ પ્રાદેશિક અધિકારીઓનું કહેવું છે કે શાંતિ વાટાઘાટો અને ઈરાન સમર્થિત જૂથો દ્વારા આરબ ગલ્ફ દેશો પરના હુમલા રોકવાના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ કરાર થયો નથી. ઈરાનના આ આકરા વલણ અને ઇઝરાયલ તરફથી કોઈ સત્તાવાર મંજૂરી ન મળવાને કારણે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના અમેરિકી દાવાઓ પર આશંકાના વાદળો ઘેરાયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા માર્ગો અને તેલના પુરવઠા અંગે ચિંતા સતત વધી રહી છે.

(6:26 PM IST)