<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ઇરાને ફરી શરુ કર્યો પરમાણુ મિસાઇલ પ્રોગ્રામ: અમેરિકી જનરલની ચેતવણીથી વૈશ્વિક રાજકારણમાં વધ્યો તણાવ

અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઈરાને ફરીથી પોતાના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમોને વેગ આપ્યો હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે.

વાશિંગ્ટન, તા.27: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન દ્વારા ફરી એકવાર પોતાના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમોને પુનર્જીવિત કરવાના ગંભીર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અમેરિકાના એક નિવૃત્ત ફોર-સ્ટાર જનરલ જેક કી દ્વારા સત્તાવાર રીતે ચેતવણી આપવામાં આવી છે કે યુદ્ધ અને હુમલાઓ બાદ પણ ઈરાને પોતાની પરમાણુ મહત્વાકાંક્ષાઓ છોડી નથી અને તે ગુપ્ત રીતે પોતાની ક્ષમતાઓ ફરી સ્થાપિત કરી રહ્યું છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સેટેલાઇટમાંથી સામે આવેલી તાજેતરની તસવીરો પરથી પુષ્ટિ થઈ છે કે ઈરાન દ્વારા અત્યંત સંવેદનશીલ પરમાણુ મથકોની આસપાસ બાંધકામ અને કિલ્લેબંધીનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. નતાંઝ ન્યુક્લિયર સાઇટ નજીક આવેલા પિકએક્સ માઉન્ટેન કોમ્પ્લેક્સ જેવા અંડરગ્રાઉન્ડ બંકરોમાં ગતિવિધિઓ વધી છે, જે સપાટીથી ૩૦૦ ફૂટ કરતાં વધુ ઊંડે સુરક્ષિત છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની ચિંતામાં મોટો વધારો થયો છે.

 

અમેરિકી સૈન્ય અધિકારીએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ શાસનની મૂળ ઓળખ દર્શાવે છે અને આ દુષ્ટ શાસન વૈશ્વિક શાંતિ માટે મોટું જોખમ ઊભું કરી રહ્યું છે. વિરોધીઓ સામેના જોખમને પહોંચી વસીને તેહરાને પોતાના શસ્ત્રાગારને મજબૂત કરવા માટે બેલિસ્ટિક મિસાઇલ વિકાસને પણ વેગ આપવાનો નિર્ણય લીધો છે, જેને કારણે પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે.

 

ભૂતકાળની પરિસ્થિતિ પર નજર કરીએ તો અગાઉ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાનના પરમાણુ મથકો પર ભીષણ હુમલા કરીને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, છતાં ઈરાન પોતાના અડગ વલણને કારણે ફરીથી બેઠું થયું છે. સેટેલાઇટ ઇમેજરી દ્વારા સામે આવેલા આ પુરાવાઓએ સાબિત કરી દીધું છે કે પ્રતિબંધો અને હુમલાઓ છતાં ઈરાન પોતાના ગુપ્ત પરમાણુ મિશનથી પીછેહટ કરવા તૈયાર નથી.

 

આ વૈશ્વિક સુરક્ષા કટોકટીના પગલે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે અને પશ્ચિમી દેશો દ્વારા ઈરાનની આ હિલચાલ પર ઊંડી નજર રાખવામાં આવી રહી છે. જો આ પ્રવૃત્તિઓ નહીં અટકે તો આગામી સમયમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ વધુ કઠોર પગલાં લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

 

આગામી દિવસોમાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંગઠનો દ્વારા આ મામલે કૂટનીતિક બેઠકો બોલાવવામાં આવી શકે છે, જેનાથી મધ્ય પૂર્વની ભૌગોલિક રાજનીતિ પર ગંભીર અસરો પડશે અને વિશ્વ શાંતિ સામે નવો પડકાર ઊભો થશે.

(5:02 PM IST)