<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: શું પરમાણુ સોદો બનશે શાંતિનો પાયો કે પછી મુકાબલો હજુ વધુ ગરમાશે?

વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે શરતોની આરપારની લડાઈ: હોર્મુઝ સ્ટ્રેટથી લઈને યુરેનિયમના ભંડાર સુધી : યુદ્ધના મેદાન બાદ હવે રાજદ્વારી ટેબલ પર શરૂ થયો પાવર ગેમ : વિશ્વની નજર ૨૮ ફેબ્રુઆરીથી ચાલી રહેલા સંઘર્ષના અંત પર

વોશિંગ્ટન :   ગયા ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુદ્ધને ત્રણ મહિના વીતી ગયા છે, પરંતુ હવે મેદાનની ગોળીબારથી વધુ ગરમી વાટાઘાટોના ટેબલ પર જોવા મળી રહી છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના તાજા અહેવાલ મુજબ, અમેરિકાએ ઈરાનની પાંચ માંગણીઓના જવાબમાં પાંચ એવી કડક શરતો મૂકી છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે યુદ્ધનું કોઈ વળતર ચૂકવશે નહીં અને ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓ પરનો કબજો યથાવત રાખશે. સૌથી મોટો વળાંક એ છે કે અમેરિકાએ ઈરાનના 400 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમનો કબજો માંગ્યો છે, જે સીધી રીતે ઈરાનની પરમાણુ શક્તિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ ગણાય છે.

બીજી તરફ, ઈરાનનું વલણ પણ લોખંડી જણાય છે. ઈરાને શરત મૂકી છે કે જો યુદ્ધવિરામ કરવો હોય તો લેબનોન સહિતના તમામ મોરચે હુમલા બંધ થવા જોઈએ અને હોર્મુઝ સ્ટ્રેટ  પર તેની સાર્વભૌમત્વને સ્વીકૃતિ મળવી જોઈએ. ઈરાન માટે આ માત્ર યુદ્ધવિરામ નથી, પરંતુ આર્થિક પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવવાની અને વર્ષોથી ફ્રીઝ થયેલી અબજો ડોલરની સંપત્તિ પાછી મેળવવાની એક તક છે. જોકે, અમેરિકાએ જે રીતે 'શૂન્ય વળતર' અને 'યુરેનિયમ સરેન્ડર'ની વાત કરી છે, તે જોતા લાગે છે કે વ્હાઇટ હાઉસ આ યુદ્ધનો અંત ઈરાનની કમર તોડીને લાવવા માંગે છે.

હાલની પરિસ્થિતિ જોતા, રાજકીય વિશ્લેષકો માને છે કે આ શરતોનો જંગ હજુ લાંબો ચાલી શકે છે. જ્યાં સુધી વિશ્વાસની કમી રહેશે, ત્યાં સુધી કોઈ પણ કરાર પર હસ્તાક્ષર થવા મુશ્કેલ છે. ઈરાન પોતાની જમીન અને હકની વાત કરી રહ્યું છે, જ્યારે અમેરિકા "રાજદ્વારી દબાણ" દ્વારા ઈરાનને શસ્ત્રવિહીન કરવા માંગે છે. ૨૮ ફેબ્રુઆરીના હુમલા બાદ શરૂ થયેલું આ ચક્ર ક્યારે અટકશે, તે હવે માત્ર આ ૧૦ શરતોના સ્વીકાર કે અસ્વીકાર પર નિર્ભર છે. શું ઈરાન પોતાનું કિંમતી યુરેનિયમ સોંપશે? કે પછી અમેરિકા નુકસાનની ભરપાઈ કરવા તૈયાર થશે? આ પ્રશ્નોના જવાબ જ આગામી દિવસોમાં વિશ્વની અર્થવ્યવસ્થા અને શાંતિ નક્કી કરશે.

(6:33 PM IST)