News of Wednesday, 15th July 2026
ઈરાન-અમેરિકા યુદ્ધ: ચાબહાર પોર્ટ પર અમેરિકાનો મોટો પ્રહાર : મરીન કંટ્રોલ ટાવર ધ્વસ્ત
હોર્મુઝની કટોકટી વચ્ચે અમેરિકી યુદ્ધવિમાનોએ ઈરાનની દરિયાઈ નજર તોડી પાડી : ટ્રમ્પની પાવર પ્લાન્ટ અને પુલો ઉડાવી દેવાની ગંભીર ચેતવણીથી વૈશ્વિક તેલ બજારમાં ભારે ફફડાટ

ચાબહાર : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે અત્યંત સંવેદનશીલ અને જોખમી વળાંક પર આવી ગયું છે. યુએસ એરફોર્સે સતત ચોથી રાત્રે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો કર્યો છે, જેમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ચાબહાર બંદર પર આવેલો એક વિશાળ મરીન કંટ્રોલ ટાવર સંપૂર્ણપણે નાશ પામ્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, ઈરાનની નૌકાસેના આ ટાવરનો ઉપયોગ હોર્મુઝ સ્ટ્રેટ માંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય માલવાહક જહાજો પર હુમલા કરવા અને જાસૂસી કરવા માટે કરી રહી હતી. દિવસ-રાત સતત ચાલી રહેલા આ હવાઈ હુમલાઓ દર્શાવે છે કે અમેરિકા હવે કોઈપણ ભોગે ઈરાનની સૈન્ય કમર તોડી નાખવા કટિબદ્ધ બન્યું છે.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધની આક્રમકતા આગામી દિવસોમાં વધુ વધારવાની ગંભીર ચેતવણી આપી દીધી છે. એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેહરાન ટૂંક સમયમાં વાટાઘાટોની ટેબલ પર પાછું નહીં ફરે, તો આવતા અઠવાડિયે અમેરિકા ઈરાનના મહત્વના પુલો અને પાવર પ્લાન્ટ્સ ને નિશાન બનાવશે. જો અમેરિકા આવા નાગરિક માળખાકીય સુવિધાઓ પર હુમલા કરશે, તો વૈશ્વિક સ્તરે તેને ભારે વિરોધ અને યુદ્ધ ગુનાના ગંભીર આક્ષેપોનો સામનો કરવો પડી શકે છે તેમ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી નિષ્ણાતો માની રહ્યા છે. આ અરાજકતા વચ્ચે હોર્મુઝમાંથી તેલનો પુરવઠો ખોરવાઈ જતાં વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવો ભડકે બળવાની સંભાવના ઉભી થઈ છે.
આ ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકાએ પ્રાદેશિક સહયોગ વધારવા અને વેપારી તણાવ હળવો કરવા માટે એક મોટો યુ-ટર્ન પણ લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કાર્ગો જહાજો પર અગાઉ લાદવામાં આવેલો ૨૦ ટકા ટેરિફ નો પ્રસ્તાવ હવે પાછો ખેંચવામાં આવશે. તેના બદલે અમેરિકા ગલ્ફ દેશો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવતા આર્થિક રોકાણોને વધુ પ્રાથમિકતા આપશે. જોકે, એકતરફ આ આર્થિક રાહતો અને બીજી તરફ ચાબહાર સહિતના ઈરાની દરિયાકાંઠા પર અમેરિકાના આંધળા બોમ્બમારાના કારણે સમગ્ર મધ્ય-પૂર્વ દેશોમાં ભારે અજંપો અને યુદ્ધનો ભય વ્યાપી ગયો છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
