<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

યુએઈના દરિયાકાંઠે ચીની માલિકીના ઓઇલ ટેન્‍કર પર ઈરાની મિસાઇલ ત્રાટકીઃ વૈશ્વિક વેપાર જગતમાં સોપો પડી ગયો

દુબઈ,તા.૮: સંઘર્ષની શરૂઆત બાદ પહેલીવાર ઈરાને યુએઈના અલ જીર બંદર નજીક ચીનના જહાજને નિશાન બનાવ્‍યું છે. જહાજ પર ચીની ઓળખ હોવા છતાં થયેલા હુમલાથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખટાશ આવી છે.

દરિયાઈ માર્ગે થતા વૈશ્વિક વેપાર પર હવે ઈરાની હુમલાઓનું સીધું જોખમ તોળાઈ રહ્યું છે. સોમવારે યુનાઇટેડ આરબ અમીરાતના અલ જીર પોર્ટ પાસે પસાર થઈ રહેલા એક વિશાળ રિફાઇન્‍ડ પ્રોડક્‍ટ્‍સ ટેન્‍કર પર ઈરાની દળોએ પ્રોજેક્‍ટાઇલ મિસાઇલથી ભયંકર હુમલો કર્યો હતો.

દરિયાઈ સુરક્ષા એજન્‍સીઓના ગુપ્ત અહેવાલો મુજબ, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જહાજ ચીની માલિકીનું હતું. જહાજ પર સ્‍પષ્ટ અને મોટા અક્ષરોમાં ચીની માલિક અને ક્રૂ એવું લખેલું હોવા છતાં ઈરાની દળોએ તેને છોડ્‍યું ન હતું. આ વર્તમાન સંઘર્ષમાં આ પહેલી એવી ઘટના છે જ્‍યાં ચીનના હિતોને સીધું અને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્‍યું હોય.

આંતરરાષ્ટ્રીય નિષ્‍ણાતો અને સંરક્ષણ વિશ્‍લેષકો માની રહ્યા છે કે આ હુમલો માત્ર કોઈ ભૂલ નથી પરંતુ ચોક્કસ ઇરાદાપૂર્વક કરવામાં આવ્‍યો હોઈ શકે છે. અત્‍યાર સુધી ઈરાન અને ચીન વચ્‍ચેના સંબંધો પ્રમાણમાં શાંત હતા, પરંતુ આ ઘટનાએ એશિયાના બે મોટા દેશો વચ્‍ચેના સમીકરણોમાં અણધારી ઉથલપાથલ મચાવી દીધી છે.

મિડલ ઇસ્‍ટના અત્‍યંત વ્‍યસ્‍ત દરિયાઈ વિસ્‍તારોમાં વધી રહેલા આ પ્રકારના અંધાધૂંધ હુમલાઓને કારણે વૈશ્વિક ઓઇલ સપ્‍લાય ચેન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ જ રીતે કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવામાં આવતા રહેશે તો આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવો આસમાને પહોંચી શકે છે.

(10:04 AM IST)