તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 22nd April 2026
અમેરિકાના યુદ્ધવિરામ છતાં ઈરાનની આક્રમકતા : હોર્મુઝની ખાડીમાં ગુજરાત આવતા જહાજ સહિત બે કાર્ગો શિપને કબજે કર્યા
દુબઈથી મુંદ્રા પોર્ટ આવી રહેલા 'એપામિનોડ્સ' અને 'એમએસસી ફ્રાન્સેસ્કા' જહાજને IRGCએ અટકાવ્યા : ગ્રીક માલિકીનું ત્રીજું જહાજ 'યુફોરિયા' પણ દરિયામાં ફસાયું

નવી દિલ્હી:અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પશ્ચિમ એશિયાના દરિયામાં તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ નેવી (IRGC) એ દરિયાઈ નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી હોર્મુઝની ખાડીમાંથી બે મોટા માલવાહક જહાજોને કબજે કર્યા છે. આ જહાજોમાં ભારત અને ખાસ કરીને ગુજરાતના મુંદ્રા પોર્ટ આવી રહેલા એક જહાજનો પણ સમાવેશ થાય છે, જેના કારણે ભારતીય શિપિંગ ઉદ્યોગમાં ચિંતા પ્રસરી ગઈ છે.
ગુજરાતના મુંદ્રા પોર્ટ આવી રહ્યું હતું જહાજ:
મેરીટાઇમ ટ્રેકિંગ ડેટા અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાયબેરિયાના ધ્વજ સાથે મુસાફરી કરી રહેલું 'એપામિનોડ્સ' (Epaminodes) નામનું જહાજ દુબઈથી નીકળ્યું હતું અને ગુજરાતના કચ્છ સ્થિત મુંદ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું. ઈરાની નૌકાદળે આ જહાજને અધવચ્ચે જ આંતરી લીધું હતું. આ ઉપરાંત, પનામાનો ધ્વજ ધરાવતા 'એમએસસી ફ્રાન્સેસ્કા' (MSC Francesca) જહાજને પણ ઈરાની સત્તાવાળાઓએ અટકાવીને પોતાના કબજામાં લીધું છે. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ પુષ્ટિ કરી છે કે આ બંને જહાજોને અત્યારે ઈરાની કિનારા પર લઈ જવામાં આવ્યા છે.
ત્રીજું જહાજ પણ જોખમમાં:
આ ઓપરેશન દરમિયાન માત્ર બે જહાજો જ નહીં, પરંતુ ગ્રીક માલિકીના 'યુફોરિયા' (Euphoria) નામના ત્રીજા જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે આ જહાજને સત્તાવાર રીતે જપ્ત કરવામાં આવ્યું નથી, પરંતુ તે અત્યારે ઈરાની દરિયાકાંઠા પાસે ફસાયેલું હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે ગ્લોબલ શિપિંગ ઓપરેટર્સમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દરિયાઈ સુરક્ષા પર વધતું જોખમ:
એક તરફ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામના પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે ઈરાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્થિતિ ફરી સ્ફોટક બની છે. હોર્મુઝની ખાડી જેવી સંવેદનશીલ જળસીમામાં જહાજોને ટાર્ગેટ કરવાથી વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ભારત તરફ આવતા કાર્ગો ટ્રાફિક પર તેની સીધી અસર પડી શકે તેમ છે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વને સુધરેલો પ્રસ્તાવ લાવવા સમય આપી યુદ્ધવિરામ લંબાવવાની વાત કરી હતી, પરંતુ આ તાજી ઘટનાએ સુરક્ષા એજન્સીઓને ફરી દોડતી કરી દીધી છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
