News of Saturday, 25th April 2026
ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકાને અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી - ‘ઈતિહાસનો સૌથી મોટો મિસાઈલ એટેક કરવા તૈયાર’
ઈસ્લામાબાદમાં શાંતિ વાર્તા નિષ્ફળ જતા મધ્ય એશિયામાં યુદ્ધના વાદળો : હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેતા વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના પરિવહન પર મોટું સંકટ

તેહરાન:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો છે. ઈરાને ઈસ્લામાબાદમાં અમેરિકા સાથેની કોઈ પણ પ્રકારની વાર્તાનો ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં, ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો કોઈ પણ પ્રકારના હુમલાના સંકેત મળશે, તો તે ઈઝરાયેલ અને આ વિસ્તારમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર ઈતિહાસનો સૌથી મોટો મિસાઈલ હુમલો કરવા માટે તૈયાર છે. આ ધમકી બાદ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર મોટા પાયે જંગ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.
સૈન્ય માળખું હાઈ એલર્ટ પર, જવાબી કાર્યવાહીની યોજના તૈયાર:
ઈરાને પોતાના સૈન્ય માળખાને હાઈ એલર્ટ પર રાખી દીધું છે અને સંભવિત હુમલાની સ્થિતિમાં તત્કાલ જવાબી કાર્યવાહીની યોજના પણ ઘડી કાઢી છે. તેહરાન અગાઉ પણ અનેકવાર કહી ચૂક્યું છે કે તે કોઈ પણ આક્રમક પગલાનો કડક અને નિર્ણાયક જવાબ આપશે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આ અંગે જણાવ્યું હતું કે દુશ્મન દેશના પાયાના માળખાને નિશાન બનાવીને અને નાકાબંધી લાગુ કરીને જનતામાં અસંતોષ પેદા કરવા માંગે છે. તેમણે પ્રાંતીય રાજ્યપાલને પૂર્ણ અધિકારો આપીને મેનેજમેન્ટની બાબતમાં રાષ્ટ્રપતિ જેવી જ સત્તાઓ સોંપી છે જેથી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળાય.
અમેરિકા સાથેની વાર્તા નિષ્ફળ, હોર્મુઝમાં નાકાબંધી યથાવત:
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ વાર્તા હાલમાં નિષ્ફળ ગઈ છે. એક તરફ બંને દેશો સીઝફાયરના મુદ્દાનો ઉકેલ લાવવા રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે, તો બીજી તરફ સામસામે જહાજો સીઝ કરવાની કાર્યવાહી પણ તેજ બની છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝમાં બ્લોકેડ ચાલુ રહેશે. તેની સામે ઈરાન પણ પોતાની જીદ પર અડગ છે કે જ્યાં સુધી અમેરિકી સેનાની નાકાબંધી રહેશે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવામાં આવશે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો:
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે તેલથી ભરેલા ટેન્કરોનું પરિવહન અટકી પડ્યું છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોનું કહેવું છે કે જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે તો તેની સીધી અસર ટૂંક સમયમાં જ વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળશે. તેલના પુરવઠામાં અવરોધ ઊભો થવાને કારણે વિશ્વના અન્ય દેશો પણ ચિંતિત છે અને તેઓ અમેરિકા તથા ઈરાન વચ્ચે વહેલી તકે સમાધાન અને કાયમી સીઝફાયર થાય તેવું ઈચ્છી રહ્યા છે. અત્યારે તો બંને પક્ષો વચ્ચેના તણાવને જોતા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
