News of Sunday, 17th May 2026
ઈરાનની મસ્જિદો બની 'વોર ઝોન': 3 કરોડ નાગરિકોના હાથમાં બંદૂક : ઈઝરાયેલ-અમેરિકા સામે આરપારની તૈયારી?
પવિત્ર મસ્જિદોમાં નમાઝને બદલે હવે ગુંજી રહ્યો છે ગોળીઓનો અવાજ: 'ઝાન ફિદા બારાયે ઈરાન' અભિયાન હેઠળ બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લાખો લોકો આધુનિક શસ્ત્રો ચલાવવાની આક્રમક તાલીમ લઈ રહ્યા છે

તેહરાન: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે, કારણ કે ઈરાને હવે તેના સામાન્ય નાગરિકોને સૈનિકોમાં ફેરવવાની અત્યંત જોખમી અને આક્રમક વ્યૂહરચના અપનાવી છે. ઈરાની સ્ટેટ મીડિયાના ચોંકાવનારા અહેવાલો અનુસાર, દેશભરની હજારો મસ્જિદોને રાતોરાત લશ્કરી તાલીમ કેન્દ્રોમાં ફેરવી દેવામાં આવી છે. અહીં માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ અને કિશોરોને પણ એકે-47 જેવા હળવા શસ્ત્રો ચલાવવાની, તેને ખોલવાની અને યુદ્ધના મેદાનમાં દુશ્મનનો સામનો કરવાની ઘાતક તાલીમ આપવામાં આવી રહી છે. ઈરાન સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં અંદાજે 31 મિલિયન એટલે કે 3 કરોડથી વધુ લોકોએ આ 'મહા-યુદ્ધ' માટે પોતાના નામ નોંધાવ્યા છે, જે કોઈપણ દેશ માટે અભૂતપૂર્વ આંકડો છે.
"ઝાન ફિદા બારાયે ઈરાન" (ઈરાન માટે જીવન કુરબાન) નામના આ અભિયાન હેઠળ તેહરાન, શિરાઝ અને ઝાહેદાન જેવા મોટા શહેરોમાં રાત્રિના સમયે ડરામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મસ્જિદોની પવિત્રતા વચ્ચે હવે હથિયારોના પ્રદર્શન અને લશ્કરી કવાયતો થઈ રહી છે. ઈરાની વહીવટીતંત્રનું માનવું છે કે જો અમેરિકા કે ઈઝરાયેલ સીધો હુમલો કરે, તો દેશનો દરેક નાગરિક એક જીવંત હથિયાર બનીને ઉભો રહેવો જોઈએ. ટીવી ફૂટેજમાં નાના બાળકો પણ ઉત્સાહભેર બંદૂકો સાફ કરતા અને નિશાનબાજી શીખતા જોવા મળી રહ્યા છે, જે દર્શાવે છે કે ઈરાન હવે માનસિક રીતે સંપૂર્ણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયું છે.
આ આક્રમક તૈયારીઓએ વૈશ્વિક સુરક્ષા એજન્સીઓના કાન ઉભા કરી દીધા છે. વિશ્લેષકોનું કહેવું છે કે મસ્જિદોનો ઉપયોગ લશ્કરી હેતુ માટે કરવો એ અત્યંત ગંભીર બાબત છે, કારણ કે તે સામાન્ય નાગરિકોને સીધા સંઘર્ષના મુખમાં ધકેલી રહ્યું છે. ઈરાન આ દ્વારા ઈઝરાયેલને સંદેશ આપવા માંગે છે કે તે માત્ર લશ્કરી રીતે જ નહીં, પણ જનશક્તિના જોરે પણ લડવા તૈયાર છે. પશ્ચિમ એશિયાના ગૂંચવાયેલા પ્રશ્નો વચ્ચે, નાગરિકોનું આ મોટા પાયે 'મિલિટીરાઈઝેશન' ભવિષ્યમાં કોઈ ભયાનક રક્તપાત તરફ ઈશારો કરી રહ્યું છે, જેનાથી સમગ્ર પ્રદેશની શાંતિ જોખમમાં મુકાઈ શકે છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
