<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

અમેરિકા સાથેના જંગ બાદ ઈરાન માલામાલ: પ્રતિબંધો હટતાં જ કતારથી મળશે $6 બિલિયનનો પહેલો હપ્તો!

સ્વિટ્ઝર્લૅન્ડ શાંતિ કરાર અને ઈસ્લામાબાદ એમઓયુ બાદ ઈરાનના તેલ-પેટ્રોકેમિકલ ક્ષેત્ર પરથી પ્રતિબંધો હટ્યા : રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કતારમાં ફસાયેલી $12 બિલિયનની કુલ સંપત્તિમાંથી અડધી રકમ ટૂંક સમયમાં મુક્ત થવાની સત્તાવાર જાહેરાત કરી

તેહરાન:  અમેરિકા અને ઈઝરાયેલ સામેના ભીષણ સૈન્ય સંઘર્ષ બાદ આર્થિક તબાહીનો સામનો કરી રહેલા ઈરાન માટે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પવિત્ર કોમ શહેરમાં ગ્રાન્ડ આયાતુલ્લાહ શોબેર ઝાંજાની સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું કે, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઈસ્લામાબાદમાં થયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ કરારના ભાગરૂપે કતારની બેંકોમાં ફ્રીઝ થયેલી ઈરાનની કુલ $12 બિલિયનની સંપત્તિમાંથી પ્રથમ હપ્તા તરીકે $6 બિલિયન (આશરે ₹૫૦,૦૦૦ કરોડ રૂપિયા) ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે. સરકાર બાકીના $6 બિલિયન મેળવવા માટે પણ કતાર વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે.

આ કરાર હેઠળ અમેરિકાએ ઈરાનના સૌથી મહત્વપૂર્ણ એવા તેલ અને પેટ્રોકેમિકલ નિકાસ ક્ષેત્ર પરથી આકરા આર્થિક પ્રતિબંધો હટાવી લીધા છે, જેને રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને ઈરાની જનતાની ધીરજ અને એકતાની મોટી ઐતિહાસિક જીત ગણાવી છે. પશ્ચિમી દેશો અને ઈઝરાયેલ દ્વારા લાદવામાં આવેલા આર્થિક દબાણ છતાં ઈરાનનું અર્થતંત્ર સ્થિર રહ્યું છે.  અહેવાલ મુજબ, અમેરિકાએ જ ઈઝરાયેલને આ યુદ્ધવિરામ અને શાંતિ કરાર સ્વીકારવા માટે મજબૂર કર્યું છે, જેના કારણે હવે મધ્ય-પૂર્વના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે.

રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ફરી એકવાર ખાતરી આપી છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે અને દેશ પરમાણુ શસ્ત્રો બનાવવાનો કોઈ ઈરાદો ધરાવતો નથી. આ મુક્ત થયેલા ભંડોળનો ઉપયોગ યુદ્ધ પછી દેશના પુનર્નિર્માણ, સામાન્ય નાગરિકો માટે ખાદ્ય સબસિડી વધારવા અને તેલ નિકાસને વેગ આપવા માટે કરવામાં આવશે. જો કે, ઈરાને અગાઉ દાવો કરેલા $300 બિલિયનના વૈશ્વિક રોકાણના સ્ત્રોત અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવી નથી.

(6:37 PM IST)