<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની ખુરશી જોખમમાં ? દેશના 73 સાંસદોની એક એવી નોટિસ જેણે દિલ્હીમાં હલચલ મચાવી

પક્ષપાતના સણસણતા આરોપો અને વડાપ્રધાનના ભાષણ પર મૌન રહેવાના મુદ્દે વિપક્ષ હવે આરપારના મૂડમાં :તપાસ માટે સુપ્રીમ કોર્ટના જજની માંગ વચ્ચે શું ચૂંટણીની પ્રક્રિયા ખોરવાઈ જશે?

નવી દિલ્હી : રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો છે. શુક્રવારે રાજ્યસભાના 73 વિપક્ષી સાંસદોએ તેમને પદ પરથી હટાવવા માટે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને નવી નોટિસ પાઠવી છે. વિપક્ષે જ્ઞાનેશ કુમાર પર પક્ષપાત અને આચારસંહિતાના ગંભીર ઉલ્લંઘનના આરોપો લગાવ્યા છે.

 

વિપક્ષી સાંસદોએ પત્રમાં માંગ કરી છે કે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના વર્તમાન  ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય એક ન્યાયિક સભ્યનો સમાવેશ થવો જોઈએ. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે 15 માર્ચ, 2026 પછી જ્ઞાનેશ કુમાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ગેરવર્તણૂકની શ્રેણીમાં આવે છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને ચૂંટણીલક્ષી તમામ કામગીરીથી દૂર રાખવાની પણ માંગ કરવામાં આવી છે.

નવા પ્રસ્તાવમાં સાંસદોએ આરોપ મૂક્યો છે કે ચૂંટણી પંચ આચારસંહિતા લાગુ કરવામાં બેવડા ધોરણો અપનાવી રહ્યું છે. સાંસદોએ 18 માર્ચે વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા 29 મિનિટના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો, જેનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર કરવામાં આવ્યું હતું. વિપક્ષનો દાવો છે કે આ ભાષણમાં વડાપ્રધાને કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસી જેવા પક્ષોની ટીકા કરી હતી, છતાં ચૂંટણી કમિશનરે કોઈ કારણદર્શક નોટિસ પાઠવી નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ 12 માર્ચે પણ 63 રાજ્યસભા સાંસદો અને 130 લોકસભા સાંસદોએ જ્ઞાનેશ કુમારને હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, 6 એપ્રિલે રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પુરાવાના અભાવે આ દરખાસ્તને ફગાવી દીધી હતી. હવે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ  ચૂંટણીના મતદાન વચ્ચે વિપક્ષે ફરી એકવાર આ નવો દાવ ખેલ્યો છે.

(7:59 PM IST)