News of Tuesday, 12th May 2026
માનવતાની હદ કે હેવાનિયતની શરૂઆત? મહિલા ૬ કલાક સુધી પથ્થર બની ઉભી રહી અને લોકોએ તેની સાથે જે કર્યું તે જાણીને રૂવાડાં ઉભા થઈ જશે!
મરિના અબ્રામોવિકનો ખતરનાક પ્રયોગ 'રિધમ ૦': ટેબલ પર રાખેલી ૭૨ વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને છૂટ આપી, અંતે જે ભયાનકતા સામે આવી તેણે દુનિયાને હચમચાવી દીધી

નેપલ્સ (ઈટાલી), તા. ૧૨: કળા (Art) ના નામે કરવામાં આવેલો એક એવો પ્રયોગ, જે આજે પણ દુનિયાના સૌથી ખતરનાક અને ભયાનક સામાજિક પ્રયોગોમાં ગણાય છે. વર્ષ ૧૯૭૪માં ઈટાલીના નેપલ્સમાં એક આર્ટ ગેલેરીમાં મરિના અબ્રામોવિક નામની કલાકારે 'રિધમ ૦' નામનું પરફોર્મન્સ આપ્યું હતું. આ પ્રયોગનો હેતુ એ જાણવાનો હતો કે જો સામાન્ય જનતાને સંપૂર્ણ સત્તા અને છૂટ આપવામાં આવે, તો તેઓ એક અસહાય વ્યક્તિ સાથે કેવું વર્તન કરે છે?
૭૨ વસ્તુઓ અને ૬ કલાકની 'સજા'
મરિનાએ એક ટેબલ પર ૭૨ વસ્તુઓ રાખી હતી. જેમાં ગુલાબ, પીંછાં અને અત્તર જેવી હળવી વસ્તુઓ પણ હતી, તો બીજી તરફ કાતર, ચાકુ, ચાબુક અને એક લોડેડ પિસ્તોલ જેવી ખતરનાક વસ્તુઓ પણ હતી. મરિનાએ જાહેર કર્યું હતું કે તે ૬ કલાક સુધી એક પુતળાની જેમ ઉભી રહેશે અને લોકો આ ૭૨ વસ્તુઓનો ઉપયોગ તેની પર ગમે તે રીતે કરી શકશે. તેણે વચન આપ્યું હતું કે તે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરશે નહીં.
શરૂઆત શાંતિથી, અંત લોહીલુહાણ
શરૂઆતમાં લોકો ખૂબ જ વિવેકી હતા. કોઈએ તેને ગુલાબ આપ્યું, તો કોઈએ તેને અત્તર છાંટ્યું. પરંતુ જેમ જેમ સમય પસાર થયો, લોકોની અંદર છુપાયેલી હેવાનિયત બહાર આવવા લાગી. લોકોએ તેની સાથે હિંસક વ્યવહાર શરૂ કર્યો. કોઈએ તેની પર ઠંડુ પાણી રેડ્યું, તો કોઈએ કાતરથી તેના કપડાં ફાડી નાખ્યા. કેટલાક લોકોએ તેના શરીર પર ચાકુથી ચીરા પાડ્યા અને તેનું લોહી પીવાનો પણ પ્રયત્ન કર્યો. હદ તો ત્યારે થઈ જ્યારે એક વ્યક્તિએ લોડેડ પિસ્તોલ મરિનાના માથા પર તાકી દીધી હતી!
માનવ સ્વભાવનો કાળો ચહેરો
જ્યારે ૬ કલાક પૂરા થયા અને મરિનાએ હલનચલન શરૂ કર્યું, ત્યારે જે લોકો તેની પર અત્યાચાર કરી રહ્યા હતા તેઓ તેની સાથે નજર મિલાવી શક્યા નહીં અને ત્યાંથી ભાગી ગયા. મરિનાએ સાબિત કર્યું કે જો લોકોને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે, તો સામાન્ય દેખાતા માણસો પણ કેટલા ક્રૂર બની શકે છે.
આજે દાયકાઓ પછી પણ, 'રિધમ ૦' નો આ પ્રયોગ મનોવિજ્ઞાનીઓ અને કલાકારો માટે એક મોટો કોયડો છે. તે દર્શાવે છે કે સત્તા અને અસહાયતા વચ્ચેની રેખા કેટલી પાતળી છે અને ભીડમાં માણસ કેવી રીતે પોતાની માનવતા ગુમાવી બેસે છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
