તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ જાપાન’! યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ભુલ્યા ભૂગોળ, પશ્ચિમ એશિયાના યુદ્ધમાં નવું જ રાષ્ટ્ર શોધી કાઢતા સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની હાજરીમાં ટ્રમ્પે ઈરાનની જગ્યાએ જાપાનનું નામ લીધું: અમેરિકન યુદ્ધ જહાજ પર ૧૧૧ મિસાઈલો છોડ્યાનો દાવો, ભૂતકાળના લોચા પણ થયા વાયરલ

વોશિંગ્ટન : પોતાના વિચિત્ર નિવેદનો અને અવારનવાર વાસ્તવિકતાથી વેગળા દાવાઓ કરવા માટે જાણીતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે. આ વખતે તેમણે ભૂગોળ અને આંતરરાષ્ટ્રીય રાજકારણનું એવું મિશ્રણ કર્યું છે કે સોશિયલ મીડિયા પર લોકો હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે. બુધવારે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચાલી રહેલા પશ્ચિમ એશિયા સંઘર્ષ (મિડલ ઈસ્ટ વોર) દરમિયાન ‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ જાપાન’ દ્વારા અમેરિકી નૌકાદળના પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર પર ૧૧૧ મિસાઇલો છોડવામાં આવી હતી!
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે સંયુક્ત મીડિયા સમક્ષ વાતચીત કરતી વખતે ટ્રમ્પે આ દાવો કર્યો હતો. તેમણે અરબી સમુદ્રમાં તૈનાત અમેરિકી યુદ્ધ જહાજ 'યુએસએસ અબ્રાહમ લિંકન' (USS Abraham Lincoln) નો ઉલ્લેખ કરતા કહ્યું, "આપણી પાસે વિશ્વનું સૌથી સુંદર અને વિશાળ એરક્રાફ્ટ કેરિયર છે. લગભગ બે મહિના પહેલા, તેના પર 'ઇસ્લામિક રિપબ્લિક ઓફ જાપાન' દ્વારા એક કલાકના ટૂંકા ગાળામાં ૧૧૧ મિસાઇલો છોડવામાં આવી હતી. આ અત્યંત મોંઘા જહાજ તરફ આવી રહેલી તમામ મિસાઇલોને આપણી સેનાએ સફળતાપૂર્વક તોડી પાડી હતી." રસપ્રદ વાત એ છે કે જ્યારે ટ્રમ્પ આ ગંભીર ભૌગોલિક ભૂલ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર કોઈ રાજદ્વારી કે અધિકારીએ તેમને સુધારવાની હિંમત નહોતી બતાવી.
ઈરાન કહેવા જતા જાપાન બોલી ગયા ટ્રમ્પ:
વાસ્તવિકતા એ છે કે જાપાન ન તો ઇસ્લામિક રાષ્ટ્ર છે, ન તો તે પશ્ચિમ એશિયાના યુદ્ધમાં ક્યાંય ભાગીદાર છે. જાપાન વાસ્તવમાં વર્તમાન યુદ્ધ ક્ષેત્રથી આશરે ૧૨,૦૦૦ કિલોમીટર દૂર આવેલું શાંતિપ્રિય એશિયન રાષ્ટ્ર છે. ડોનાલ્ડ ટ્રમ્પ અસલમાં 'ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન' બોલવા માંગતા હતા, જેની સાથે અમેરિકાનો પશ્ચિમ એશિયામાં તણાવ ચાલી રહ્યો છે અને જેનું સત્તાવાર નામ ઇસ્લામિક રિપબ્લિક છે. પરંતુ ઈરાનને બદલે જાપાનનું નામ લઈને તેમણે નવી આફત નોતરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો સ્થળો અને દેશોના નામોમાં ગરબડ કરવાનો બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે. આ પહેલા પણ તેઓ દાવો કરી ચૂક્યા છે કે તેમણે અલ્બેનિયા અને અઝરબૈજાન વચ્ચેના યુદ્ધનો અંત આણ્યો હતો, જ્યારે વાસ્તવિક સંઘર્ષ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે હતો. એ જ રીતે તેમણે ક્યારેય ન લડાયેલા 'આર્મેનિયા-કંબોડિયા' યુદ્ધમાં પણ શાંતિ દૂત બનવાનો દાવો કર્યો હતો, જ્યારે ખરેખર તે કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેનો સરહદી વિવાદ હતો. ટ્રમ્પના આ તાજેતરના નિવેદન બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયના રાજદ્વારીઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે પ્રમુખ પદ પર બેઠેલી વ્યક્તિ દ્વારા આવી આંતરરાષ્ટ્રીય સ્તરની ભૂલો મિત્ર દેશો સાથેના સંબંધો પર વિપરીત અસર પાડી શકે છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
