News of Monday, 4th May 2026
અમેરિકાની લીલી ઝંડી મળતા જ ઈરાન પર ત્રાટકવા ઈઝરાયેલની પૂરી તૈયારી: ઈઝરાયેલના ટોચના લશ્કરી અધિકારીઓની જાહેરાત: ગમે ત્યારે ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની દહેશત
ઈરાન અને યુએઈનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણ બંધ, આકાશ સાવ સુમસામ: તેલ અવીવથી દુબઈ જતી ઈઝરાયેલી ફ્લાઈટનું ઓમાનમાં ઈમરજન્સી લેન્ડિંગ

મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પ્રવર્તમાન તણાવને પગલે ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતે પોતાનું હવાઈ ક્ષેત્ર તમામ પ્રકારની ફ્લાઈટ્સ માટે સદંતર બંધ કરી દીધું છે.
તાજેતરના અહેવાલો અને ફ્લાઇટ ટ્રેકિંગ મેપ્સ દર્શાવે છે કે ઈરાન પરનું આકાશ અત્યારે સંપૂર્ણપણે ખાલી છે અને કોઈ પણ યાત્રી કે કાર્ગો વિમાન ત્યાંથી પસાર થઈ રહ્યું નથી.
આ કટોકટી વચ્ચે ઈઝરાયેલી નાગરિકોને લઈને તેલ અવીવથી દુબઈ જઈ રહેલા એક વિમાનને અધવચ્ચે રોકીને ઓમાનમાં ઉતારવાની ફરજ પડી હતી. સુરક્ષાના કારણોસર ઓમાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ વિમાનમાં ફરીથી ઈંધણ ભરીને તેને સંયુક્ત આરબ અમીરાતના શારજાહ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યું છે.
બીજી તરફ, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈઝરાયેલના ટોચના લશ્કરી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ઈરાનમાં તાત્કાલિક ધોરણે લશ્કરી કાર્યવાહી શરૂ કરવા અને આકરો હુમલો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. હાલમાં ઈઝરાયેલી સેના માત્ર અમેરિકા તરફથી અંતિમ મંજૂરી અને લીલી ઝંડી મળવાની પ્રતીક્ષા કરી રહી છે.
વિવિધ આંતરરાષ્ટ્રીય અને પશ્ચિમી સમાચાર માધ્યમો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી મળતી વિસ્તૃત વિગતો અનુસાર, અમેરિકન વહીવટીતંત્ર અને ઈઝરાયેલના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સતત મંત્રણાઓ ચાલી રહી છે.
એવી પ્રબળ શક્યતા છે કે જો અમેરિકા હુમલા માટે સંમતિ આપશે તો આગામી ગણતરીના સમયમાં મધ્ય પૂર્વમાં એક મોટો અને વિનાશક જંગ ફાટી નીકળશે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલના પુરવઠા પર પડશે.
પરિસ્થિતિની નાજુકતા જોતા આસપાસના તમામ દેશોની સેનાઓને અત્યંત સતર્ક કરી દેવામાં આવી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
