<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ઇઝરાયલે ૭ ઓક્‍ટોબરના હુમલાના ‘માસ્‍ટરમાઇન્‍ડ'ને મારી નાખ્‍યો

ઇઝરાયલે ગાઝામાં હમાસના નવા લશ્‍કરી વડા મુહમ્‍મદ ઓદેહને પતાવી દીધાનો દાવો કર્યો : દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્‍લાહ સામે ઇઝરાયલી હુમલાઓ પણ તીવ્ર બન્‍યા છે

તેલ અવીવ,તા.૨૭: ઇઝરાયલી સેનાએ ગાઝામાં હમાસના નવા લશ્‍કરી વડા મુહમ્‍મદ ઓદેહને મારી નાખવાનો દાવો કર્યો છે. ઇઝરાયલી સેના અનુસાર, ઓદેહ ૭ ઓક્‍ટોબર, ૨૦૨૩ના રોજ ઇઝરાયલ પર થયેલા મોટા હુમલાના 'માસ્‍ટરમાઇન્‍ડ' પૈકીનો એક હતો. આ લશ્‍કરી કાર્યવાહી ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્‍ઝના નિર્દેશ પર કરવામાં આવી હતી. વડા પ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર આની પુષ્ટિ કરી. ઇઝરાયલના જણાવ્‍યા અનુસાર, ૭ ઓક્‍ટોબરના હુમલા દરમિયાન મુહમ્‍મદ ઓદેહ હમાસના ગુપ્તચર વિભાગના વડા હતા.

નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલા જ, મુહમ્‍મદ ઓદેહને હમાસના લશ્‍કરી પાંખના નવા વડા તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. તેમણે ઇઝ અલ-દિન અલ-હદ્દાદનું સ્‍થાન લીધું હતું, જે બે અઠવાડિયા પહેલા ગાઝામાં ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્‍યનું કહેવું છે કે ઓદેહ અસંખ્‍ય ઇઝરાયલી નાગરિકો અને સૈનિકોની હત્‍યા, અપહરણ અને હુમલામાં સામેલ હતા. વડા પ્રધાન નેતન્‍યાહૂએ હ્‍ પર પણ પોસ્‍ટ કરી હતી, જેમાં કહ્યું હતું કે, અમે હવે મુહમ્‍મદ ઓદેહને નિશાન બનાવીને મારી નાખ્‍યા છે. તે હમાસની લશ્‍કરી પાંખના વડા અને ૭ ઓક્‍ટોબરના હુમલાના મુખ્‍ય આયોજકોમાંના એક હતા. અમે આ હુમલામાં સામેલ તમામ લોકોનો પીછો કરીશું.

આ દરમિયાન, ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં તેના હવાઈ હુમલાઓ પણ તીવ્ર બનાવ્‍યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ટાયર અને મરજાઉન જિલ્‍લાના ઘણા વિસ્‍તારોને વારંવાર ફટકારવામાં આવ્‍યા હતા. અહેવાલો અનુસાર, બુર્જ રાહલ, કવથારિયાત અલ-રુઝ, સરીફા, અસ-સવાના અને કાબરીખા જેવા વિસ્‍તારોને નિશાન બનાવવામાં આવ્‍યા હતા. મંગળવારે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓમાં ૩૧ લોકો માર્યા ગયા અને ૪૦ અન્‍ય ઘાયલ થયા. રવિવારે વડા પ્રધાન નેતન્‍યાહૂએ સૈન્‍યને હિઝબુલ્‍લાહ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપ્‍યા બાદ આ હુમલાઓ થયા છે.

નેતન્‍યાહૂએ એક વિડિઓ નિવેદનમાં કહ્યું, અમે હિઝબુલ્‍લાહ સાથે યુદ્ધમાં છીએ. અમારા સૈનિકોએ છેલ્‍લા કેટલાક અઠવાડિયામાં ૬૦૦ થી વધુ આતંકવાદીઓને મારી નાખ્‍યા છે. પરંતુ અમે હવે અટકવાના નથી. મેં સૈન્‍યને વધુ આક્રમક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્‍યો છે. ઇઝરાયલને અમેરિકા તરફથી એવા સંકેતો મળ્‍યા હોવાના પણ અહેવાલ છે કે તે હિઝબુલ્‍લાહ સામે મોટા લશ્‍કરી કાર્યવાહીને મંજૂરી આપી રહ્યું છે. ડ્રોન હુમલામાં તાજેતરના વધારા બાદ, ઇઝરાયલે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે.

 

(10:03 AM IST)