News of Thursday, 3rd September 2026
ઈસરોની અંતરિક્ષમાં વિરાટ છલાંગ: GSLV-F17 સાથે 'Eye in the Sky' મિશન લૉન્ચ માટે તૈયાર, ભારતની સરહદો અને હવામાન પર રહેશે બાજ નજર!
શ્રીહરિકોટાથી EOS-05 સેટેલાઈટ પૃથ્વીથી ૩૬,૦૦૦ કિમી ઊંચાઈએ થશે સ્થાપિત: કુદરતી આફતો, પૂર અને વ્યૂહાત્મક સુરક્ષામાં મળશે મોટી સફળતા

શ્રીહરિકોટા | તા.૦૩: ભારતીય આંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) અવકાશ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ઈસરોનું અતિ મહત્વકાંક્ષી GSLV-F17 મિશન, જે 'EOS-05' અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટને લઈને રવાના થશે, તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી વહેલી સવારે ૩.૫૫ વાગ્યે ઉડાન ભરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ મિશન ભારતની અવકાશી ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
'EOS-05' સેટેલાઈટને પૃથ્વીથી આશરે ૩૬,૦૦૦ કિલોમીટર દૂર જિયોસિંક્રોનસ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન અને શક્તિશાળી 'આઈ ઈન ધ સ્કાય' (Eye in the Sky) પ્રોજેક્ટ માનવામાં આવે છે. તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશક પૂર અને બદલાતા હવામાનના સંકટ વચ્ચે, આ સેટેલાઈટ ભારત માટે આફત વ્યવસ્થાપન અને પૂરની અગાઉથી ચેતવણી આપવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ મિશનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હાઈ-ફ્રીક્વન્સી ચિત્રો (ઈમેજ) ઝડપથી મોકલવાની ક્ષમતા ધરાવે છે. નિર્ધારિત ક્ષેત્રની દર ૫ મિનિટે અને સમગ્ર ભારતીય ભૂભાગની દર ૩૦ મિનિટે રિયલ-ટાઈમ ઈમેજીસ મોકલીને આ સેટેલાઈટ તંત્રને એલર્ટ કરશે. આ ટેકનોલોજીથી પૂર, વાવાઝોડું, જંગલની આગ, પર્યાવરણીય ફેરફારો અને ખેતીવાડીમાં પાકની સ્થિતિ પર ચોક્કસ નિરીક્ષણ રાખી શકાશે.
નાગરિક ઉપયોગ ઉપરાંત, આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ પણ ખૂબ જ વધારે છે. સંરક્ષણ અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ભારતની સરહદો પર સતત દેખરેખ રાખવા માટે આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઈસરોના આ સતત સફળ પ્રયાશોથી અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતનો દબદબો વધુ મજબૂત બન્યો છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
