News of Sunday, 29th November 2026
દેશનું અર્થતંત્ર બરબાદ કરવાનું કામ ઈડીનું નથી : તમારા તપાસ અધિકારીઓની સતામણીથી લોકો શાંતિ મેળવવા વિદેશમાં વ્યવસાય કરવા જઈ રહ્યા છે : ટ્રિબ્યુનલના ચેરમેનની ઈડીને અત્યંત આકરી ફટકાર
ગોવાના બે કેસિનોમાંથી જપ્ત કરાયેલા ૧.૩૦ કરોડ રૂપિયા એક વર્ષથી શા માટે રોકી રાખ્યા છે? રકમ ગુના સાથે સંકળાયેલી ન હોય તો શું તપાસ અધિકારી વ્યાજ ચૂકવશે? સંપૂર્ણ દસ્તાવેજો સાથે હાજર થવા ફરમાન

મુંબઈ, તા. ૨૯ : દેશની કેન્દ્રીય તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ કરવાની પદ્ધતિ સામે સફેમા ટ્રિબ્યુનલના અધ્યક્ષ ન્યાયમૂર્તિ મુનીશ્વરનાથ ભંડારીએ અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઈડીનું કામ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું નથી. તપાસ અધિકારીઓની કાર્યપદ્ધતિથી ત્રસ્ત થઈને લોકો વ્યવસાય કરવા વિદેશ જઈ રહ્યા છે. તેનું નુકસાન આખરે દેશના અર્થતંત્રને અને સરકારની કરવેરાની આવકને થાય છે.
ગુરુવારે તા. ૨૬ નવેમ્બરે ગોવાના કેસિનો ગોલ્ડ અને ઓશન-૭ નામના બે કેસિનો સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ભંડારીએ આ આકરી ટિપ્પણીઓ કરી હતી.
લગભગ એક વર્ષ અગાઉ ઈડીએ ઓનલાઈન સટ્ટાબાજીના એક કથિત કેસના અનુસંધાનમાં બંને કેસિનોમાંથી રૂ. ૧.૩૦ કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. આ કેસના એક આરોપી કેસિનોમાં શેરધારક છે. જોકે તે સિવાયનો અન્ય સંબંધ હજુ પ્રસ્થાપિત થયો નથી.
કેસિનો સંચાલકોની દલીલ હતી કે જપ્ત કરાયેલી રકમ કાયદેસરની છે અને તેનો ઉલ્લેખ હિસાબી ચોપડા તથા કરવેરા સંબંધિત દસ્તાવેજોમાં કરવામાં આવ્યો છે. દોઢ વર્ષથી વધુ સમયની તપાસ છતાં ઈડીએ આ રકમને કાયમી ધોરણે જપ્ત કરવાની માગણી પણ કરી નથી.
ન્યાયમૂર્તિ ભંડારીએ સવાલ કર્યો હતો કે આટલા લાંબા સમય સુધી બીજાની રકમ શા માટે રોકી રાખવામાં આવી છે? આ કોઈની મહેનતની કમાણી પણ હોઈ શકે છે. તપાસ અધિકારીની કાર્યવાહીને કારણે કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય ચલાવી શકતી ન હોય તો તેની જવાબદારી કોણ લેશે?
જો જપ્ત કરાયેલી રકમનો ગુના સાથે કોઈ સંબંધ ન હોવાનું બહાર આવે તો શું સંબંધિત તપાસ અધિકારી પોતાના ખિસ્સામાંથી વ્યાજ ચૂકવશે? તપાસ અધિકારીઓની મનસ્વી કાર્યવાહીને કારણે ઈડીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચતું હોવાનું ન્યાયમૂર્તિ ભંડારીએ જણાવ્યું હતું.
ટ્રિબ્યુનલે આખરે સંબંધિત તપાસ અધિકારીને કેસના તમામ દસ્તાવેજો અને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે હાજર થવાનો આદેશ આપ્યો છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
