News of Saturday, 18th April 2026
મહિલાઓના તારણહાર બનવું સહેલું નથીઃ પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર તીખો પ્રહાર
મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે કેન્દ્ર સરકારની દાનત પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી, તા.૧૮: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે સરકારની દાનત પર સવાલ ઉઠાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મહિલાઓ માટે માત્ર કાગળ પર તારણહાર બનવું પૂરતું નથી, તેના માટે દાનત અને પ્રદર્શનની જરૂર છે. ન્યૂઝ ચેનલો સાથેની વાતચીતમાં તેમણે આક્ષેપ કર્યો કે સરકાર મહિલાઓના સન્માનના નામે માત્ર રાજકારણ રમી રહી છે અને વાસ્તવિક જમીની પ્રશ્નો પરથી જનતાનું ધ્યાન ભટકાવી રહી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, અત્યારે જે રીતે બેઠકોની નવી રચના કરવાની વાતો થઈ રહી છે, તે વાસ્તવમાં પુરુષ નેતાઓ દ્વારા પોતાની બેઠકો સુરક્ષિત રાખવાનું એક સુનિયોજિત કાવતરું છે. પ્રિયંકાએ પ્રશ્ન કર્યો કે જો સરકાર ખરેખર ગંભીર હોય તો હાલની ૫૪૩ બેઠકો પર જ મહિલાઓને તક કેમ નથી અપાતી?
સીમાંકન પ્રક્રિયા અંગે ગંભીર શંકા વ્યક્ત કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે વિપક્ષને આ સરકારના ઈરાદાઓ પર જરાય ભરોસો નથી. તેમણે આક્ષેપ કર્યો કે સીમાંકનનો ઉપયોગ રાજકીય ફાયદા માટે અને ભૌગોલિક સંતુલન બગાડવા માટે થઈ શકે છે. તાજેતરમાં સંસદમાં થયેલી રાજકીય ઉથલપાથલને તેમણે બંધારણ અને લોકશાહીનો વિજય ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે ગઈકાલની ઘટનાએ સાબિત કરી દીધું છે કે જ્યારે વિપક્ષ એક થઈને લડે છે, ત્યારે અહંકારી સરકારને પણ પીછેહઠ કરવી પડે છે. પ્રિયંકાએ આડકતરી રીતે ઉન્નાવ, હાથરસ અને મહિલા રમતવીરોના આંદોલનનો ઉલ્લેખ કરી સરકારને તેમની જૂની ભૂલોની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે જે સરકાર મહિલાઓ સાથેના અત્યાચાર વખતે મૌન રહે છે, તે અચાનક શુભેચ્છક હોવાનો દાવો ન કરી શકે.
પોતાની વાતને વધુ મજબૂત બનાવતા પ્રિયંકા ગાંધીએ સૂચન કર્યું કે ૨૦૨૩ના મહિલા અનામત બિલમાં જરૂરી સુધારા કરીને તેને ૨૦૨૬માં જ તાત્કાલિક અમલી બનાવવું જોઈએ. તેમણે ખાસ કરીને અન્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરવાની હિમાયત કરી હતી. પ્રિયંકાએ ચેતવણી આપી હતી કે ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે રાજકીય પ્રતિનિધિત્વનું સંતુલન જળવાવું અનિવાર્ય છે. પ્રાદેશિક સંતુલન જોખમાય નહીં તે માટે હાલની બેઠકોના માળખામાં છેડછાડ કર્યા વગર મહિલાઓને તેમનો હક આપવો જોઈએ. તેમના મતે, સરકાર જો ખરેખર મહિલા શક્તિનું સન્માન કરવા માંગતી હોય, તો તેણે ટેકનિકલ કારણો પાછળ છુપાયા વગર સીધી અને પારદર્શક રીતે અનામત લાગુ કરવી જોઈએ.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
