<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ઈઝરાયલના હવાઈ હુમલામાં હમાસની મિલિટરી વિંગના ચીફ ઈજ્જ અલ-દીન અલ-હદ્દાદ માર્યો ગયો

ઈઝરાયલી સેનાએ દાવો કર્યો કે અલ-દીન અલ-હદ્દાદ, તે છેલ્લા બચેલા ટોપ કમાન્ડરોમાંથી એક હતો જેણે ઈઝરાયલ પર 7 ઓક્ટોબર 2023ના થયેલા ભીષણ હુમલાનું પ્લાનિંગ કર્યું હતું

ઈઝરાયલે હવાઈ હુમલામાં હમાસની મિલિટરી વિંગના ચીફ ઈજ્જ અલ-દીન અલ-હદ્દાદને ઠાર મારી તેનો બદલો લઈ લીધો છે. ઈઝરાયલી સેનાએ ગત શનિવારે દાવો કર્યો કે અલ-દીન અલ-હદ્દાદ, તે છેલ્લા બચેલા ટોપ કમાન્ડરોમાંથી એક હતો, જેણે ઈઝરાયલ પર 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા ભીષણ હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. બીજી તરફ, હમાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અલ-હદ્દાદના મોતની માહિતી આપી હતી.

ઈઝરાયલી આર્મીના જણાવ્યા અનુસાર, વિતેલા શુક્રવારે ગાઝામાં થયેલી એરસ્ટ્રાઈકમાં અલ-હદ્દાદ માર્યો ગયો. તે હમાસનો સિનિયર મિલિટરી સ્ટ્રેટેજિસ્ટ હતો, જેણે ઈઝરાયલ પર ઓક્ટોબર 2023ના  હુમલાની યોજના બનાવવામાં અને તેને આખરી ઓપ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે હુમલામાં દક્ષિણ ઈઝરાયલમાં આશરે 1,200 લોકોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા, જ્યારે 250થી વધુ ઈઝરાયલીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અલ-હદ્દાદે મોહમ્મદ સિનવારના મોત બાદ હમાસની મિલિટરી વિંગની જવાબદારી સંભાળી હતી. ઈઝરાયલે આરોપ લગાવ્યો છે કે યુદ્ધ દરમિયાન અલ-હદ્દાદે પોતાની જાતને એટેકથી બચાવવા માટે ઘણી વખત ઈઝરાયલી બંધકોનો ઢાલની જેમ ઉપયોગ કર્યો હતો.

અલ-હદ્દાદના પરિવારે પુષ્ટિ કરી કે ગાઝામાં થયેલા આ એટેકમાં અલ-હદ્દાદની સાથે અન્ય 6 લોકોનાં પણ મોત થઈ ગયા, જેમાં તેની પત્ની અને પુત્રી પણ સામેલ છે. અલ-હદ્દાદના 2 પુત્રોના મોત પહેલા જ ઈઝરાયલ સામેના યુદ્ધ દરમિયાન થઈ ચૂક્યા હતા. ગત શનિવારે ગાઝામાં અલ-હદ્દાદને કબરમાં દફનાવવામાં આવ્યો. જ્યારે અલ-હદ્દાદનો જનાજો કાઢવામાં આવ્યો, ત્યારે તે દરમિયાન તેનો મૃતદેહ હમાસ અને પેલેસ્ટાઈનના ઝંડાઓમાં લપેટાયેલો હતો.

ઉલ્લેખનીય  છે કે, ઈઝરાયલ-હમાસમાં સીઝફાયર અત્યંત નાજુક પરિસ્થિતિમાં થયું છે. બંને તરફથી સતત એકબીજા પર સીઝફાયરના ઉલ્લંઘનના આરોપો લગાવવામાં આવે છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સીઝફાયર લાગુ થયા બાદથી ગાઝામાં 850થી વધુ લોકો માર્યા ગયા છે.

(7:56 PM IST)