News of Friday, 27th November 2026
વડોદરા નજીકથી જૈશનો આંતકી હથિયારો સાથે ઝડપાયો
ગુજરાતને રક્તરંજિત કરવાનું મોટું કાવતરું ATSએ નિષ્ફળ બનાવ્યું છે. ૬ મહિનાથી વધુ સમયની વોચ બાદ વડોદરા નજીક જરોદ બસ સ્ટેન્ડ પરથી AK-૪૭ અને ૨૩ જીવતા કારતૂસ સાથે આસામના મોહમ્મદ શાહરૂલ ઇસ્લામની ધરપકડ વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાનઃ ૧ વર્ષથી જૈશ સાથે જોડાયેલા આ આતંકીના ફોનમાંથી સાહિત્ય મળ્યું : જાહેર સ્થળો પર આતંક ફેલાવવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ તા.૨૭:ગુજરાત ATSએ એક મોટા અને સફળ ઓપરેશનને અંજામ આપીને રાજ્યમાં આતંક ફેલાવવાના ભયાનક મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ATSની ટીમે વડોદરા નજીક આવેલા જરોદ બસ સ્ટેન્ડ પરથી ઘાતક AK-૪૭ રાઈફલ અને ૨૩ જીવતા કારતૂસ સાથે આસામના એક આતંકીને દબોચી લીધો છે. ઝડપાયેલા આતંકીની ઓળખ મોહમ્મદ શાહરૂલ ઇસ્લામ તરીકે થઈ છે, અને તેની ધરપકડ બાદ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલો આતંકી મોહમ્મદ શાહરૂલ ઇસ્લામ છેલ્લા ૧ વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. આતંકીના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન તેમાંથી જૈશ-એ-મોહમ્મદને લગતું સાહિત્ય પણ મળી આવ્યું છે. ગુજરાત ATS છેલ્લા ૬ મહિનાથી વધુ સમયથી તેના પર નજર રાખીને તેની શોધખોળ કરી રહી હતી અને આખરે ચોક્કસ બાતમીના આધારે જરોદ બસ સ્ટેન્ડ પરથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આતંકી ગુજરાતના જાહેર સ્થળો પર આતંક ફેલાવવા અને રાજ્યને રક્તરંજિત કરવાના હેતુથી આવ્યો હતો. તે આસામથી ટ્રેન અને બસ મારફતે મુસાફરી કરીને ગુજરાત પહોંચ્યો હતો અને વડોદરામાં રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આતંકી પાસેથી મળી આવેલી ઘાતક AK-૪૭ ગન તે પડોશી રાજ્યમાંથી લાવ્યો હતો.
હાલ ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા મોહમ્મદ શાહરૂલ ઇસ્લામની સઘન પૂછપરછ ચાલી રહી છે. જાહેર સ્થળોએ હુમલાના કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે, પડોશી રાજ્યમાંથી હથિયાર કોણે પૂરું પાડ્યું અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા નજીક જરોદ બસ સ્ટેન્ડ પરથી ઝડપાયેલા આતંકી મામલે DIG સુનિલ જોશીની આગેવાનીમાં યોજાયેલી ગુજરાત ATSની પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં આતંક ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ATSના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમીના આધારે ખાસ ટીમ બનાવાઈ હતી અને બાતમીના આધારે ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરીને આસામના મોહમ્મદ શાહરૂલ ઇસ્લામને AK-૪૭ રાઈફલ અને ૨૩ જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો. છેલ્લા ૧ વર્ષથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા અને ૬ મહિનાથી વધુ સમયથી ATSની રડારમાં રહેલા આ આતંકીએ જાહેર સ્થળોને નિશાન બનાવવાના હેતુથી બસ અને ટ્રેન મારફતે આસામથી ગુજરાતની સફર કરી હતી, વડોદરા રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો, પડોશી રાજ્યમાંથી AK-૪૭ લાવ્યો હતો અને તેના મોબાઈલમાંથી જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય પણ મળી આવ્યું છે.
ATSના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમીના આધારે ટીમ બનાવાઈ હતી અને બાતમીના આધારે ટીમે તપાસ કરતા આરોપી જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનું તેમજ તેની પાસેથી AK-૪૭ અને ૨૩ જીવતા કારતૂસ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ATS મુજબ આ આતંકી મૂળ આસામના કરીમનગરનો રહેવાસી છે, જેને દાહોદ નજીકથી હથિયાર અપાયું હતું અને તેનું નિશાન વડોદરા એરફોર્સ સ્ટેશન ટાર્ગેટ પર હતું. આ ઉપરાંત, શંકાસ્પદ વ્યક્તિનો ફોન ચેક કરતા તેણે ટ્રેનિગ લીધી તે સહિતના ફોટોગ્રાફસ, આતંકીઓ સાથે કનેક્શન હોવાના ફોટોગ્રાફસ તેમજ જૈશ-એ-મોહમ્મદનું લિટરેચર પણ મળી આવ્યું હોવાનું ATSએ જણાવ્યું છે.
મહત્વનું છે કે, આતંકી ઝડપાયો ત્યાંથી નજીકમાં જ DyCM હર્ષભાઈ સંઘવીનો કાર્યક્રમ હોવાથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. નવલખી મેદાનમાં આયોજિત ‘ઋષભાયન-૩' કાર્યક્રમમાં DyCM હર્ષભાઈ સંઘવીની સાથે અનેક સંતો-મહંતો હાજર હતા, ત્યારે તેની નજીકથી જ આતંકી ઝબ્બે થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATSની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે, કારણ કે વડોદરા એરફોર્સ સ્ટેશન જૈશના આ આતંકવાદીના નિશાને હતું અને હુમલો કર્યા બાદ તેનો પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો. આ આતંકી મિલન હોટેલમાંથી ચેક-આઉટ કર્યા વિના જ ભાગ્યો હતો, પરંતુ ATSએ તેનો મોબાઈલ ટ્રેક કરીને જરોદમાંથી તેને દબોચી લીધો હતો.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
