News of Monday, 29th June 2026
ઉનાળાના અંતે કુદરતી વરદાન સમાન ‘જાંબુ’: ડાયાબિટીસથી લઈને ચામડીના રોગો સુધીની સમસ્યામાં અકસીર, જાણો આ ફળના 6 અદ્ભુત ચમત્કારી ફાયદા
સ્વાદમાં મીઠા અને ગુણોમાં ભારે: જાણો જાંબુ ખાવાની સાચી રીત, કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ અને કયા લોકોએ આ ફળથી અંતર રાખવું હિતાવહ છે

રાજકોટ | તા. 29 જૂન: ગરમીની સિઝન પૂરી થવાને આરે અને ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે બજારમાં જાંબુની ભરમાર જોવા મળી રહી છે. આ નાના અને કાળા રંગના ફળ માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તેમાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે. આયુર્વેદમાં પણ જાંબુને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ડોકટરો પણ સિઝનલ ફ્રુટ્સ ખાવાની સલાહ આપે છે, કારણ કે તે શરીરને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
આયુર્વેદ અનુસાર, જાંબુની તાસીર ઠંડી હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે શરીરને ઠંડકની જરૂર હોય, ત્યારે જાંબુ એક ઉત્તમ વિકલ્પ છે. કેરીની તાસીર ગરમ હોવાથી તેનું વધુ પડતું સેવન ગરમી પેદા કરી શકે છે, પરંતુ જાંબુ તે ગરમીને સંતુલિત કરવાનું કામ કરે છે. તેમાં રહેલું વિટામિન C અને પાણીનું પ્રમાણ શરીરને હાઇડ્રેટેડ રાખીને અંદરથી ઠંડક આપે છે.
જાંબુના 6 મુખ્ય સ્વાસ્થ્ય લાભો
1. ડાયાબિટીસમાં રામબાણ: જાંબુમાં રહેલા ‘જેમ્બોસિન’ તત્વ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેના ઠળિયા અને પાન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે.
2. વજન ઘટાડવા માટે બેસ્ટ: જો તમે વજન ઘટાડવા માંગતા હોવ, તો જાંબુ શ્રેષ્ઠ છે. તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોવાથી તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
3. કુદરતી એન્ટી-એજિંગ: વિટામિન Cથી ભરપૂર હોવાથી તે ત્વચામાં કોલેજન વધારે છે, જેથી કરચલીઓ ઓછી થાય છે અને ત્વચા યુવાન દેખાય છે.
4. લોહીની ઉણપ દૂર કરે: આયર્ન અને વિટામિન Cનું મિશ્રણ શરીરમાં નવું લોહી બનાવવામાં મદદ કરે છે, જે એનિમિયા અને સતત રહેતા થાકને દૂર કરે છે.
5. પેઢાની સમસ્યામાં રાહત: મસૂડામાંથી લોહી આવતું હોય તો જાંબુનું સેવન કરવું ખૂબ ફાયદાકારક રહે છે.
6. હાઈ બ્લડ પ્રેશર પર કાબૂ: પોટેશિયમથી ભરપૂર જાંબુ સોડિયમની અસરને ઘટાડે છે, જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
સાવધાની રાખવી પણ જરૂરી છે!
નિષ્ણાતોના મતે, એક દિવસમાં ૨૫૦ ગ્રામથી વધુ જાંબુ ન ખાવા જોઈએ. વધુ સેવનથી શરીરમાં વાત દોષ વધી શકે છે અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ ધ્યાન રાખો કે, જાંબુ ખાવાની તરત પહેલા કે પછી દૂધ કે પાણીનું સેવન ન કરવું, કારણ કે તે પેટમાં દુખાવો કે ઉલટીનું કારણ બની શકે છે. ઉપરાંત, જેમને શરદી, ઉધરસ, સાઇનસ હોય કે જેમની તાજેતરમાં સર્જરી થઈ હોય તેમણે જાંબુ ખાવાનું ટાળવું જોઈએ.
જાંબુના ગુણો તો ઘણા છે, પરંતુ દરેકના શરીરની તાસીર અલગ હોય છે. તેથી, કોઈપણ ફળનું વધુ પડતું સેવન કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી હંમેશા હિતાવહ છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
