News of Monday, 13th July 2026
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા મુશ્કેલીમાં: ભાજપે લગાવ્યો ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો
પોતાના ધારાસભ્યોને તોડવાના આક્ષેપો બદલ ભાજપે ઓમર અબ્દુલ્લાને મોકલી કાનૂની નોટિસ; સાબિતી આપો અથવા સાત દિવસમાં બિનશરતી માફી માંગો, અન્યથા કાનૂની કાર્યવાહીની ચીમકી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક એકમે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સામે મોરચો માંડીને કાનૂની જંગ છેડ્યો છે. પોતાની સરકારને તોડવા માટે ભાજપ દ્વારા નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોને કરોડો રૂપિયાની લાંચ અને મંત્રીપદની લાલચ આપવામાં આવી રહી હોવાના મુખ્યમંત્રીના આક્ષેપો સામે ભાજપે કડક વલણ અપનાવતા તેમને કાનૂની નોટિસ ફટકારી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સતપાલ શર્મા વતી એડવોકેટ પરિમોક્ષ શેઠ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા, દૂષિત અને ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યા છે. નોટિસમાં માંગણી કરવામાં આવી છે કે ઓમર અબ્દુલ્લાએ પોતાના નિવેદન બદલ સાત દિવસની અંદર લેખિતમાં બિનશરતી જાહેર માફી માંગવી પડશે.
ભાજપની નોટિસ મુજબ, મુખ્યમંત્રીએ તાજેતરમાં શ્રીનગરમાં એક સંમેલન દરમિયાન એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે ભાજપના પદાધિકારીઓ જમ્મુ ક્ષેત્રના નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. અબ્દુલ્લાના દાવા અનુસાર, ધારાસભ્યોને ભાજપમાં જોડાવા બદલ 20 થી 30 કરોડ રૂપિયા, મંત્રીપદ અને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો અપાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અબ્દુલ્લાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરનાર એક વરિષ્ઠ ભાજપ નેતા આ સોદાબાજીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
ભાજપે આ તમામ આક્ષેપોને સદંતર ખોટા ગણાવીને પડકાર ફેંક્યો છે કે જો ઓમર અબ્દુલ્લા આ આક્ષેપોના સમર્થનમાં નક્કર પુરાવા રજૂ નહીં કરી શકે, તો પક્ષ દ્વારા તેમની સામે ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવશે. ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આવા બેજવાબદાર નિવેદનોથી પક્ષની છબી ખરડાઈ છે, જે કાયદાકીય રીતે સજાપાત્ર ગુનો બને છે.
બીજી તરફ, આ નોટિસ મળ્યા બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેને 'પ્રેમ પત્ર' ગણાવતા કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસ સાબિત કરે છે કે તેઓ મને એક રાજકીય તાકાત માને છે જેને તેઓ અવગણી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ધમકીઓ તેમને ડરાવી શકશે નહીં.
હવે જોવાનું એ રહેશે કે ઓમર અબ્દુલ્લા આગામી સાત દિવસમાં માફી માંગે છે કે પછી તેઓ પોતાના આક્ષેપો સાબિત કરવા માટે પુરાવાઓ રજૂ કરે છે. જો આમ નહીં થાય, તો આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરની રાજનીતિ વધુ એક મોટા કાનૂની સંઘર્ષ તરફ આગળ વધશે તે નક્કી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
