<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

બે વર્ષની પ્રતીક્ષા બાદ જમ્મુ-કાશ્મીરને મળ્યા નવા એડવોકેટ જનરલ: વરિષ્ઠ વકીલ સૈયદ ફૈસલ કાદરીની નિમણૂક

27 નવેમ્બરે સત્તાવાર સૂચના જાહેર; 18 ઓક્ટોબર, 2024ના રોજ ડી.સી. રૈનાના રાજીનામા બાદ ખાલી પડેલા પદ પર હાઈકોર્ટમાં PIL અને વહીવટીતંત્રની ખાતરી બાદ નિર્ણય

શ્રીનગર : વરિષ્ઠ વકીલ સૈયદ ફૈસલ કાદરીની જમ્મુ અને કાશ્મીરના નવા એડવોકેટ જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેની સત્તાવાર સૂચના શુક્રવારે જાહેર કરવામાં આવી છે, જેનાથી આ પદ પર છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી ખાલી જગ્યાનો અંત આવ્યો છે. ઉમર અબ્દુલ્લાના નેતૃત્વમાં સરકાર રચાયા બાદ અગાઉના એડવોકેટ જનરલ ડી.સી. રૈનાએ 18 ઓક્ટોબર, 2024ના રોજ રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી પડ્યું હતું.

 

લાંબા સમયથી પદ ખાલી રહેતાં કાયદાકીય કામગીરી અને ન્યાય પ્રક્રિયા પર થતી અસર અંગે વકીલ હર્ષ દુબેએ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરીને ચિંતા વ્યક્ત કરી હતી.

 

અરજીમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો હતો કે એડવોકેટ જનરલ હોદ્દાની રૂએ 'જમ્મુ અને કાશ્મીર એડવોકેટ્સ વેલ્ફેર ફંડ ટ્રસ્ટી કમિટી'ના અધ્યક્ષ હોય છે, તેથી પદ ખાલી રહેવાથી સમિતિની કામગીરી પર પણ અસર પડી રહી હતી.

 

5 નવેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે હાઈકોર્ટ સમક્ષ ખાતરી આપી હતી કે નિમણૂકની પ્રક્રિયા પ્રગતિમાં છે અને એક મહિનાની અંદર આ પદ ભરી દેવામાં આવશે.

 

આ ખાતરીના થોડા જ સમયમાં સૈયદ ફૈસલ કાદરીની નિમણૂક અંગેનું નોટિફિકેશન બહાર પાડીને વહીવટી અને કાયદાકીય સ્તરે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

 

હવે નવા એડવોકેટ જનરલ દ્વારા કચેરીના કાયદાકીય કાર્યો, અદાલતોમાં પ્રતિનિધિત્વ અને સંબંધિત સમિતિની કામગીરીના સુચારુ સંચાલન પર સૌની નજર રહેશે.

(8:52 PM IST)