<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

વરસતા વરસાદ વચ્ચે જંતર-મંતર ફરી ધબક્યું: સીજેપીનો આજે પણ સંસદ તરફ કૂચ કરવાનો નિર્ધાર: પોલીસે હટાવેલો મંચ ફરી ઊભો કરાયો; ‘શિક્ષણમંત્રીના રાજીનામા સુધી સ્થળ નહીં છોડીએ’—અભિજીત દીપકે

દિલ્હી પોલીસ કહે છે ૧૧૮ પોલીસ તથા ૬૦ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે: ૭૦ યુવાનોની અટકાયતમાં: કનોટ પ્લેસના રીગલ સિનેમા નજીક પથ્થરમારો, હિંસા અને પોલીસ વાહનોમાં તોડફોડના આરોપસર અજાણ્યા લોકો સામે ફરિયાદ: સીજેપીએ પોલીસ ઉપર અતિશય બળપ્રયોગના આરોપો મૂક્યા

 

 

નવી દિલ્હી, તા. ૨૧: કેન્દ્ર સરકાર સામે કોકરોચ જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલું યુવા આંદોલન સોમવારના ભારે ઘર્ષણ બાદ મંગળવારે પણ યથાવત રહ્યું છે. મોડી રાત્રે વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ફરી જંતર-મંતર ખાતે એકત્ર થયા હતા. પોલીસે સાંજે હટાવેલો મંચ ફરી કામચલાઉ રીતે ઊભો કરવામાં આવ્યો હતો અને પ્રદર્શનકારીઓએ એક તંબુ પણ લગાવ્યો હતો.

 

રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હોવા છતાં સેંકડો યુવાનો મંચ પાસે જ ઊભા રહ્યા હતા. સ્થળે વીજળી ન હોવાને કારણે પ્રદર્શનકારીઓ મોબાઇલની ટોર્ચના પ્રકાશમાં પાણી, બિસ્કિટ અને જરૂરી સામગ્રી પહોંચાડતા જોવા મળ્યા હતા. મધરાત બાદ પણ સરકાર અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા.

 

સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે મંગળવાર, તા. ૨૧ જુલાઈએ પણ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને પ્રદર્શનકારીઓ જંતર-મંતર છોડશે નહીં. જોકે સીજેપીના પદાધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી કૂચનો સમય અને અંતિમ કાર્યક્રમ નક્કી કરવા બેઠક ચાલી રહી છે તથા સત્તાવાર જાહેરાત પછી કરવામાં આવશે. રાત્રિ દરમિયાન સ્થળે ઓછામાં ઓછા એક હજાર પ્રદર્શનકારીઓ અને સેંકડો પોલીસકર્મીઓ હાજર હોવાનું જણાવાયું હતું.

 

સીજેપી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હોસ્પિટલમાં દાખલ પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની બિનશરતી મુક્તિ અને પરીક્ષા વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી રહી છે. સીજેપીના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ સંગઠનના જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી કોઈ નક્કર પ્રતિબદ્ધતા મળી નથી.

 

સોમવારના ઘર્ષણ અંગે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ૧૧૮થી વધુ પોલીસ અને સુરક્ષાકર્મીઓ તથા આશરે ૬૦ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે અને લગભગ ૭૦ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કનોટ પ્લેસના રીગલ સિનેમા નજીક પથ્થરમારો, હિંસા અને પોલીસ વાહનોમાં તોડફોડના આરોપસર અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ સીજેપીએ પોલીસ ઉપર અતિશય બળપ્રયોગના આરોપો મૂક્યા છે.

 

પોલીસ અધિકારીઓએ સંભવિત નવી સંસદ કૂચને ધ્યાનમાં રાખીને અગાઉની જેમ જ બેરિકેડ અને સુરક્ષા વ્યવસ્થા ચાલુ રાખવાની વાત કરી છે. જંતર-મંતર, સંસદ માર્ગ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(9:38 AM IST)