<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

જંતર-મંતર વિવાદ: કૉકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની કસ્ટડી લંબાવવાની માંગ પર કોર્ટે આદેશ રાખ્યો સુરક્ષિત

લંડનની લાખોની આરામદાયક નોકરી છોડીને દેશ સેવા માટે રસ્તા પર ઉતરેલા નેતાઓની ધરપકડથી સોશિયલ મીડિયા પર ભાવુક પ્રતિક્રિયાઓ; સંસ્થાપક અભિજીત દીપકેનું નિવેદન વાયરલ

નવી દિલ્હી : દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ અને કાર્યકરો સામે પોલીસ પ્રશાસનનું સકંજો વધુ કડક બન્યું છે. દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે વગર પરવાનગીના પ્રવેશ અને જાહેર શાંતિ ભંગ કરવાના આરોપસર અટકાયત કરાયેલા CJP ના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની પોલીસ કસ્ટડી વધુ પાંચ દિવસ લંબાવવાની માંગ કરી હતી. આ મામલે એસઈએમ (SEM) કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી બાદ કોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે, જેના કારણે બંને નેતાઓની મુક્તિ મામલે હજુ સસ્પેન્સ યથાવત રહ્યું છે.

 

ઘટનાની વિગતો મુજબ, ગત ૧૩ ઓક્ટોબરના રોજ સૌરવ દાસ, આશુતોષ રાંકા, અજિંક્ય શિંદે અને અન્ય સભ્યો જંતર-મંતર પહોંચ્યા હતા. દિલ્હી પોલીસનું કહેવું છે કે આ સ્થળને હવે સત્તાવાર પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો છતાં દેખાવકારોએ ફરજમાં રૂબરૂ વિઘ્ન નાખ્યું હતું અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું, જેને ધ્યાનમાં રાખીને પ્રિવેન્ટિવ અરેસ્ટ (અટકાયતી પગલાં) હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય એક સહયોગી અજિંક્ય શિંદેને શાંતિ જાળવવાની શરતે અગાઉ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

 

દરમિયાન, આ સમગ્ર પ્રકરણ વચ્ચે કૉકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક ભાવુક પોસ્ટ ભારે ચર્ચાનો વિષય બની છે. તેમણે બંને નેતાઓના સંઘર્ષને યાદ કરતા જણાવ્યું હતું કે, આશુતોષ રાંકા પાસે અગાઉ લંડનમાં લાખો રૂપિયાની અત્યંત આરામદાયક કોર્પોરેટ નોકરી હતી અને સૌરવ દાસ પણ કાનૂની વ્યવસ્થા વિશે લખીને એક ભવ્ય જીવન જીવી રહ્યા હતા. બંને પાસે પોતાની સુરક્ષિત અને સફળ જિંદગી ચાલુ રાખવાના તમામ કારણો હતા, પરંતુ તેમણે આ દેશને વધુ સારો બનાવવા માટે પોતાની સુખ-સાહેબી છોડીને રસ્તા પર ઉતરવાનો અને અજાણ્યા લોકોના હકો માટે લડવાનો રાહ પસંદ કર્યો હતો.

 

બીજી તરફ, દિલ્હી પોલીસે જામીન સુનાવણી દરમિયાન એક ન્યાયાધીશને કથિત રીતે ધમકી આપવાના મામલે રવિવારે અજાણ્યા શખ્સો સામે એનસીઆર (NCR) પણ દાખલ કરી છે. CJP દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા જાણી જોઈને બંને નેતાઓની મુક્તિમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. કાયદાકીય દાવા-પ્રતિદાવા અને સમર્થકોની ભાવનાત્મક અપીલો વચ્ચે હવે કોર્ટના આગામી આદેશ પર સૌની મીટ નમી છે.

(6:49 PM IST)