<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

દાગીના વાંદરા ચોરી ગયા અને સૂર્યના તાપમાં ઓગળી ગયા!

૧ કરોડનું સોનું વાંદરા ચોરી ગયા અને પોલીસ જોતી રહી! ઉત્તર પ્રદેશ પોલીસનો ગજબ કારનામો : પોલીસની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારનો એક અજબ કિસ્‍સો સામે આવ્‍યો છે. ૧૯ વર્ષ જૂના કેસમાં જપ્ત કરાયેલા ૧ કરોડ રૂપિયાના સોનાના દાગીના ગાયબ થવા પર પોલીસે કોર્ટમાં હાસ્‍યાસ્‍પદ બહાનું કાઢયું

કાનપુર,તા.૧૯: સામાન્‍ય રીતે આપણે ફિલ્‍મોમાં પોલીસને અવનવા બહાના કાઢતા કે ગુનેગારોને બચાવતા જોઈએ છીએ. પરંતુ કેટલીકવાર વાસ્‍તવિક જીવનમાં એવી ઘટનાઓ બને છે, જે બોલિવૂડની કોઈપણ સસ્‍પેન્‍સ કે કોમેડી ફિલ્‍મને પણ પાછળ પાડી દે છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાંથી એક એવો જ કિસ્‍સો સામે આવ્‍યો છે, જે સાંભળીને તમે વિચારમાં પડી જશો કે હસવું કે પોલીસ તંત્રની કાર્યશૈલી પર રડવું. આ કિસ્‍સો ૧૯ વર્ષ જૂનો છે, જેમાં પોલીસ કસ્‍ટડીમાં રાખવામાં આવેલા ૧ કરોડ રૂપિયાના સોનાના દાગીના ગાયબ થઈ ગયા. પરંતુ સૌથી મોટો આંચકો તમને ત્‍યારે લાગશે જ્‍યારે પોલીસ કોર્ટમાં આ દાગીના ગાયબ થવા પાછળનું કારણ આપે છે. પોલીસનો દાવો છે કે દાગીના વરસાદમાં પલળી ગયા હતા, તેને છત પર સૂકવવા મૂક્‍યા તો અડધા વાંદરાઓ ચોરી ગયા અને બાકીના સૂર્યના તાપમાં ઓગળી ગયા!

આ કેસની શરૂઆત વર્ષ ૨૦૦૭માં થઈ હતી. લખીમપુર ખીરીના સદર કોતવાલી વિસ્‍તાર (કપૂરથલા)માં રહેતા મુદિત અગ્રવાલની પત્‍ની રાની અગ્રવાલે દિવાળીની રાત્રે ફાંસી લગાવીને આત્‍મહત્‍યા કરી લીધી હતી. રાનીના પરિવારજનોએ સાસરિયાઓ પર દહેજ માટે ત્રાસ આપીને હત્‍યા કરવાનો આરોપ લગાવ્‍યો હતો, જેના આધારે પોલીસે ગુનો નોંધીને પતિ સહિત સાસરિયાઓને જેલમાં ધકેલી દીધા હતા. જ્‍યારે રાનીના મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવ્‍યું, ત્‍યારે તેના શરીર પરથી કેટલાક કિમતી ઘરેણાં ઉતારવામાં આવ્‍યા હતા. આ દાગીનામાં સોનાની નોઝ પિન (નાકની ચૂંક), ગળાની ચેઇન, લોકેટ, સોનાની વીંટી અને બંગડીઓનો સમાવેશ થતો હતો. કાયદાકીય પ્રક્રિયા મુજબ, પોલીસે આ દાગીના જપ્ત કરીને સદર કોતવાલીના 'માલખાના' (પોલીસ સ્‍ટેશનનો એવો રૂમ જ્‍યાં જપ્ત કરાયેલો સામાન કે પુરાવા સુરક્ષિત રાખવામાં આવે છે

લગભગ ૧૦ વર્ષ સુધી કોર્ટમાં આ કેસ ચાલ્‍યો. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ, કોર્ટે પુરાવાના અભાવે મુદિત અગ્રવાલ અને અન્‍ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. આરોપીઓ નિર્દોષ છૂટ્‍યા પછી, કાયદા મુજબ જે સામાન પોલીસે જપ્ત કર્યો હોય તે મૂળ માલિકને પરત કરવાનો હોય છે. પરિવારે કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી કે રાનીના ૧ કરોડ રૂપિયાની કિમતના દાગીના તેમને પાછા આપવામાં આવે. કોર્ટે પોલીસને આદેશ આપ્‍યો કે દાગીના પરિવારને સોંપી દેવામાં આવે. અને અહીંથી જ પોલીસની અસલી રમત અને બહાનાબાજી શરૂ થઈ.

જ્‍યારે કોર્ટે દાગીના રજૂ કરવા દબાણ કર્યું, ત્‍યારે સદર કોતવાલી પોલીસે જે રિપોર્ટ દાખલ કર્યો તે વાંચીને ખુદ ન્‍યાયાધીશ પણ સ્‍તબ્‍ધ રહી ગયા. પોલીસે કોર્ટને લેખિતમાં જણાવ્‍યું કેઃ માલખાનામાં દાગીના જે પોટલી (બંડલ)માં રાખવામાં આવ્‍યા હતા તે પલળી ગઈ હતી. તેથી તેને સૂકવવા માટે પોલીસ સ્‍ટેશનની છત પર તડકામાં મૂકવામાં આવ્‍યા હતા. આ દરમિયાન કેટલાક વાંદરાઓ આવ્‍યા અને દાગીના ઉપાડી ગયા, અને જે સોનું બચ્‍યું હતું તે કાળઝાળ ગરમી અને સૂર્યના તાપમાં ઓગળીને નષ્ટ થઈ ગયું! વિજ્ઞાન કહે છે કે સોનાને ઓગળવા માટે ૧૦૬૪ ડિગ્રી સેલ્‍સિયસ તાપમાનની જરૂર પડે છે. સૂર્યના સામાન્‍ય તાપમાં સોનું ક્‍યારેય ઓગળી શકે નહીં. પોલીસનું આ બહાનું સામાન્‍ય બુદ્ધિ ધરાવતા કોઈપણ માણસના ગળે ઉતરે તેવું નહોતું.

સેશન્‍સ જજ લક્ષ્મીકાંત શુક્‍લાએ પોલીસના આ પાયાવિહોણા અને મૂર્ખામીભર્યા તારણોને તરત જ ફગાવી દીધા. કોર્ટે અત્‍યંત કડક શબ્‍દોમાં ટિપ્‍પણી કરતા પૂછ્‍યું કે, આટલા કિમતી પુરાવાઓને સુરક્ષિત માલખાનામાં તાળા-ચાવીમાં રાખવાના બદલે, ખુલ્‍લામાં અને કોઈની દેખરેખ વિના છત પર કેમ રાખવામાં આવ્‍યા? કોર્ટે સ્‍પષ્ટપણે નોંધ્‍યું કે સોનાના દાગીના વરસાદમાં ખરાબ થઈ શકે નહીં કે તાપમાં ઓગળી શકે નહીં. પ્રથમ દ્રષ્ટિએ જ એવું સાબિત થાય છે કે પોલીસ અધિકારીઓએ પોતાના અંગત ફાયદા માટે આ ૧ કરોડના દાગીના ચાઉં કરી ગયા છે અને પોતાની ચોરી છુપાવવા માટે આવા ખોટા રેકોર્ડ અને વાર્તાઓ ઊભી કરી છે. કોર્ટે કડક આદેશ આપ્‍યો કે જે પણ પોલીસ કર્મચારીઓ આ માટે દોષિત છે, તેમની પાસેથી આ દાગીનાની રકમ વસૂલવામાં આવે.

કોર્ટના આદેશને ૨ વર્ષ વીતી ગયા છતાં, ન તો કોઈ પોલીસવાળા પાસેથી વસૂલાત થઈ કે ન તો પીડિત પરિવારને તેમના દાગીના મળ્‍યા. તાજેતરમાં, જ્‍યારે આ કેસ ફરીથી મીડિયામાં ચર્ચામાં આવ્‍યો, ત્‍યારે પોલીસે પોતાનો બચાવ કરવા માટે એક 'પ્રેસ નોટ' જારી કરી. આ પ્રેસ નોટમાં પોલીસે નવો કાનૂની દાવ રમ્‍યો છે. પોલીસે જણાવ્‍યું કે, જે સમયે આ દાગીના જમા થયા હતા, ત્‍યારે માલખાનાનો ચાર્જ હેડ ક્‍લાર્ક ચંદ્રિકા પ્રસાદ પાસે હતો, જેમનું વર્ષ ૨૦૦૯માં જ અવસાન થઈ ચૂક્‍યું છે. તેમના પછી ચાર્જ સંભાળનાર બીજા ક્‍લાર્ક રામબક્ષ પાલનું પણ મૃત્‍યુ થઈ ગયું છે. હાલમાં જે ક્‍લાર્ક (સંજય) ફરજ પર છે, તેને ચાર્જ લેતી વખતે આ દાગીના મળ્‍યા જ નહોતા. પોલીસનો સીધો તર્ક એ છે કે જે લોકો આ ચોરી માટે જવાબદાર હતા તેઓ હવે આ દુનિયામાં નથી. અને કાયદા મુજબ, કોઈ મૃત વ્‍યક્‍તિ વિરુદ્ધ કેસ ચલાવી શકાય નહીં કે તેમની પાસેથી વસૂલાત કરી શકાય નહીં. આથી, પોલીસે કોર્ટમાં 'ફાઇનલ રિપોર્ટ' (ક્‍લોઝર રિપોર્ટ) રજૂ કરીને પોતાના હાથ અધ્‍ધર કરી લીધા છે.

પીડિત પરિવારના વકીલ શૈલેન્‍દ્ર સિહ ગૌડના જણાવ્‍યા અનુસાર, પોલીસ જાણીજોઈને જવાબદારીમાંથી છટકી રહી છે. દાગીના માત્ર એક ક્‍લાર્કની જવાબદારી નથી હોતા, સમગ્ર પોલીસ સ્‍ટેશન અને તેના ઉપરી અધિકારીઓ પણ તેના માટે જવાબદાર હોય છે. પરિવાર હવે ન્‍યાય મેળવવા માટે સીધા હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી રહ્યો છે. 

 

(9:48 AM IST)