<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ઝારખંડના CM હેમંત સોરેનની માતા રુપી સોરેનનું નિધન

પરિવાર અને સમર્થકોમાં શોકની લહેર

રાંચી,તા.૮:  ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેનની માતા રુપી સોરેનનું નિધન થઈ ગયું છે. સીએમ સોરેનની માતાના નિધનથી તેમના પરિવાર અને સમર્થકોની વચ્‍ચે શોકની લહેર છે. નેતાઓ અને લોકોએ સોશિયલ મીડિયા દ્વારા સીએમ સોરેનની માતાના નિધન પર શોક પ્રકટ કર્યો છે.

રુપી સોરેન ઝારખંડના પૂર્વ મુખ્‍યમંત્રી અને ઝામુમોના વરિષ્ઠ નેતા શિબૂ સોરેનના પત્‍ની હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, રુપી સોરેનના અંતિમ દર્શન અને અંતિમ સંસ્‍કાર કાલે તેમના પૈતૃક ગામ નેમરામાં કરવામાં આવશે.

સીએમ હેમંત સોરેને માતાના નિધન બાદ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ફેસબુક પર લખ્‍યું છે કે બાબાના ગયા બાદ મા જ મારો સૌથી મોટો છાંયડો હતી, આજે એ છાંયડો પણ પ્રકૃતિની ગોદમાં સમાઈ ગયો.

ઝારખંડના રાજ્‍યપાલ સંતોષ ગંગવારે પણ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર શોક વ્‍યક્‍ત કર્યો છે. તેમણે લખ્‍યું છે કે મુખ્‍યમંત્રી હેમંત સોરેનજીની માતા રુપી સોરેનજીના નિધનના દુખદ સમાચાર મળ્‍યા. આ દુખની ઘડીમાં મારી ઊંડી સંવેદનાઓ મુખ્‍યમંત્રી અને તેમના સમસ્‍ત પરિવાર સાથે છે. ઈશ્વર શોકાકુલ પરિવારને આ અસીમ દુખને સહન કરવાની શક્‍તિ આપે.

કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્‍લિકાર્જૂન ખડગેએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર પોસ્‍ટ કરીને લખ્‍યું છે કે, ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેનજીની પૂજ્‍ય માતાજી શ્રીમતી રુપી સોરેનજીના નિધનના સમાચાર અત્‍યંત દુખદ છે. આ શોકની ઘડીમાં મારી ઊંડી સંવેદનાઓ હેમંત સોરેનજી તથા સમસ્‍ત શોકાકુલ પરિવાર સાથે છે. ઈશ્વર દિવંગત આત્‍માને શાંતિ આપે અને પરિવારને આ અપાર દુખ સહન કરવાની શક્‍તિ આપે, વિનમ્ર શ્રદ્ધાંજલિ

(9:56 AM IST)