News of Saturday, 14th November 2026
સ્પામ કોલ્સને રોકવામાં Jio સૌથી આગળઃ ૪,૯૬૩ નંબર બ્લોક અને ૨૭૪ કંપનીઓ પર પ્રતિબંધઃ ફરિયાદો ઘટાડવામાં એરટેલ-Vi ને પછાડયા
TRAI રિપોર્ટમાં મોટો ખુલાસોઃ ૧,૫૦૬ SMS હેડર્સને પણ કર્યા બ્લેકલિસ્ટ

નવી દિલ્હી, તા.૧૪: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૬) ના તાજેતરના રિપોર્ટમાં રિલાયન્સ જિયો સ્પામ કોલ્સ અને અવાંછિત સંદેશાઓ રોકવામાં દેશની નંબર-૧ કંપની સાબિત થઈ છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ૫૨૭.૨૫ મિલિયન (૫૨.૭૨ કરોડ) જેટલો સૌથી વિશાળ યુઝર બેઝ હોવા છતાં, જિયોના નેટવર્ક પરથી ઉદ્ભવતા સ્પામ સામે માત્ર ૨,૯૩,૭૧૬ ફરિયાદો નોંધાઈ હતી. આ આંકડો હરીફ કંપનીઓ એરટેલ (૩,૫૨,૦૬૨ ફરિયાદો) અને વોડાફોન આઈડિયા (૫,૩૯,૨૮૫ ફરિયાદો) ની સરખામણીમાં ઘણો ઓછો છે, જે દર્શાવે છે કે જિયોની ફિલ્ટર સિસ્ટમ સૌથી વધુ અસરકારક છે.
સ્પામર્સ સામે કડક વલણ અપનાવતા જિયોએ વારંવાર નિયમોનો ભંગ કરતા ૪,૯૬૩ નંબર અને કનેક્શનને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે ૨૭૪ સ્પામર એન્ટિટીઓને બ્લેકલિસ્ટ કરી છે. તેની સામે એરટેલે ૮૫ અને Vi એ માત્ર ૯ એન્ટિટીઓને બ્લોક કરી છે. આ ઉપરાંત, બેંકો અને કંપનીઓના નામે થતી છેતરપિંડી રોકવા જિયોએ સૌથી વધુ ૧,૫૦૬ SMS હેડર્સ બ્લેકલિસ્ટ કર્યા છે (એરટેલ ૮૮૨, Vi ૭૭૦). જિયોએ અન્ય નેટવર્ક પરથી આવતા સ્પામ સામે પગલાં લેવા ૬,૫૦,૦૩૮ ફરિયાદો સંબંધિત ટેલિકોમ કંપનીઓને ફોરવર્ડ પણ કરી છે.
રસપ્રદ વાત એ છે કે જિયોના માત્ર ૧૦.૭% ગ્રાહકોએ જ ડુ નોટ ડિસ્ટર્બ સેવા એક્ટિવ કરી હોવા છતાં (એરટેલમાં ૧૭.૨%), કંપનીના આંતરિક સુરક્ષા કવચને કારણે યુઝર્સ સ્પામથી સુરક્ષિત રહ્યા છે. સમગ્ર દેશમાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કુલ ૧.૫૨૯ મિલિયન (૧૫.૨૯ લાખ) UCC ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી ૭,૨૩,૮૩૧ ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે. TRAI એ આ સમયગાળામાં દેશભરમાં નિયમભંગ કરનારા ૧,૨૪,૦૦૦ થી વધુ કનેક્શન્સ અને ૩૭૪ એન્ટિટીઓ સામે લાલ આંખ કરી કડક પગલાં લીધાં છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
