<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

કોકરોચ જનતા પાર્ટીના પ્રોટેસ્ટ વચ્ચે જેપી નડ્ડાની પ્રેસ કોન્ફરન્સ - 'કર્નાટકથી તમિલનાડુ-તેલંગાણા સુધી કોંગ્રેસ અને UPA શાસિત રાજ્યોમાં પણ પેપર લીક થયા' : જેપી નડ્ડાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન : CJP પ્રતિનિધિઓ સાથે મુલાકાત અને સોનમ વાંગચુક અંગે આપ્યું નિવેદન : જુઓ વિડીયો

પેપર લીક ગંભીર સમસ્યા અને તપાસનો વિષય, સરકાર સંસદમાં ૧૨ થી ૧૮ કલાક સુધી ચર્ચા કરવા તૈયાર : વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર રાજકારણ રમીને લાભ ન ખાટવા વિપક્ષને આપી સલાહ

દિલ્હી:દિલ્હીમાં જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રોટેસ્ટ વચ્ચે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, આંદોલનનું રાજકારણ કરવું યોગ્ય નથી અને તેનાથી રાજકીય લાભ મેળવવો જોઈએ નહીં. રાહુલ ગાંધીએ સંસદમાં ૧૫૦ જેટલા પેપર લીકના કિસ્સાઓ રજૂ કરીને પ્રેઝન્ટેશન આપ્યું હતું, પરંતુ તેઓ આ મુદ્દે ખૂબ જ પસંદગીયુક્ત (સિલેક્ટિવ) વલણ અપનાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ એક તપાસનો વિષય છે અને એક જવાબદાર સરકાર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ચોક્કસપણે આ તમામ આરોપોની તપાસ કરશે અને સત્ય દેશની જનતા સામે લાવશે.

 

 પેપર લીક ગંભીર મુદ્દો, સંસદ જ ચર્ચા માટેનું શ્રેષ્ઠ સ્થળ:

જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને ખાસ કરીને પેપર લીકની ઘટનાઓ ખરેખર ચિંતાજનક છે. આ મુદ્દે કોઈએ રાજકારણ ન કરવું જોઈએ. આ એક ગંભીર સમસ્યા છે અને તેના પર પૂરી ગંભીરતા તથા ઈમાનદારીથી ચર્ચા થવી જોઈએ. સરકાર વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. સંસદમાં બિઝનેસ એડવાઈઝરી કમિટી નક્કી કરે તે મુજબ ૧૨ કલાક કે ૧૮ કલાક જેટલી લાંબી ચર્ચા કરવા માટે પણ સરકાર રાજી છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમની ચિંતા કરવી એ સરકાર અને વિપક્ષ બંનેની સંયુક્ત જવાબદારી છે. વિપક્ષે પોતાની જવાબદારી નિભાવીને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

 

 કોંગ્રેસ, TMC, NC અને UPA શાસિત રાજ્યોમાં થયેલા પેપર લીકની યાદી કરી જાહેર:

જેપી નડ્ડાએ કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવતા પૂછ્યું હતું કે, શું કોંગ્રેસના શાસનમાં પેપર લીક નહોતા થયા? તેમણે વિવિધ રાજ્યોની યાદી આપતા જણાવ્યું હતું કે:

  જમ્મુ-કાશ્મીર: સર્વિસ સિલેક્શન બોર્ડ પરીક્ષામાં પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર છે.

  હિમાચલ પ્રદેશ: સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડમાં પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસનું શાસન છે.

  ઝારખંડ: JAC માં હિન્દી અને સાયન્સના પેપર લીક થયા, જ્યાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે.

  તેલંગાણા: ઈન્ટરમીડિએટ ભાષાનું પેપર અને SSC ભાષાનું પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસ અને CPI નું સમર્થન ધરાવતી સરકાર છે.

  તમિલનાડુ: તમિલનાડુ ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટી બોર્ડ દ્વારા લેવાયેલ B.Ed કોર્સનું પેપર લીક થયું હતું.

  પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં TMC સરકારના શાસનમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું.

  પંજાબ: પંજાબ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની ગ્રુપ-B પરીક્ષામાં અનિયમિતતાઓ અને પેપર લીકની ઘટનાઓ બની.

  કેરળ: કેરળ PSC ની ૨૬ પરીક્ષાઓના પેપરોમાં ભારે ગડબડીઓ સામે આવી હતી.

  કર્નાટક: કર્નાટકમાં કોંગ્રેસ સરકારમાં પ્રિપરેટરી બોર્ડ એક્ઝામ અને PUC ના પેપર લીક થયા હતા.

 

જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે, તેઓ UPA અને UPA સમર્થિત સરકારોના સમયમાં થયેલા પેપર લીક અંગે મૌન કેમ છે? આ દર્શાવે છે કે રાહુલ ગાંધીને શિક્ષણની ગુણવત્તા કે વિદ્યાર્થીઓના કલ્યાણમાં કોઈ રસ નથી, પરંતુ તેઓ માત્ર રાજકીય રોટલા શેકવા માગે છે.

 

 CJP પ્રતિનિધિઓ સાથે મુલાકાત અને સોનમ વાંગચુક અંગે નિવેદન:

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત અંગે માહિતી આપતા જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, ખૂબ જ સારા વાતાવરણમાં વાતચીત થઈ છે. પ્રતિનિધિઓએ પોતાની માંગણીઓ લેખિતમાં આપી છે અને સરકાર તેમની સાથે આગળ પણ ચર્ચા કરવા માટે તૈયાર છે.

બીજી તરફ, સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાન્તા હોસ્પિટલના ICU માં શિફ્ટ થયા હોવાથી તેમની તબિયતના ખબર-અંતર પૂછવા ગયા હતા. સરકારે તેમને અનશન છોડીને મુખ્યધારામાં જોડાવા અને બાળકોને સાચું માર્ગદર્શન આપવા વિનંતી કરી છે. સોનમ વાંગચુક દ્વારા લખાયેલા ખુલ્લા પત્રનો જવાબ આપીને વાર્તાઘાટો આગળ ધપાવવામાં આવશે.

 

(9:59 PM IST)