News of Saturday, 22nd August 2026
ન્યાયતંત્ર હિસાબ સરભર કરવાનું માધ્યમ નથીઃ સુપ્રીમ
૧૧ વર્ષ સુધી ન્યાયતંત્રનો સમય બગાડવા બદલ વકીલ-તેની પૂર્વ અસીલને રૂા.૫-૫ લાખનો દંડ

નવી દિલ્હી તા.૨૨: ન્યાયતંત્રનો ૧૧ વર્ષ સુધી સમય બગાડવા બદલ એક વકીલ અને તેના ભૂતપૂર્વ અસીલ સામે સખત નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર એકબીજા સામેના હિસાબને સરભર કરવાનું કોઈ માધ્યમ નથી. સર્વોચ્ચ અદાલતે આ વકીલ અને મહિલા બંનેને રૂા. ૫ લાખનો દંડ પણ ફટકાર્યો હતો.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે બંને પક્ષકારોએ મહત્વપૂર્ણ તથ્યો છુપાવ્યા હતાં અને સારી નિયત સાથે કોર્ટનો સંપર્ક કર્યો નહોતો. બંને અમારી પાસે પોતાની સાથે થયેલા અન્યાયની ફરિયાદ લઈને આવ્યા છે, પરંતુ આ અન્યાયના માટે બંને પોતે જવાબદાર છે. બંનેએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, હાઈકોર્ટ અને આ કોર્ટનો વર્ષ સુધીનો સમયનો બગાડયો છે.
આ સમગ્ર મામલો એક મહિલા સંબંપિત હતો. તેને પોતાના ભાઈ સાથે બોલાચાલી તથા મલાડ પોલીસ સ્ટેશન ગઈ હતી, જ્યાં તેની ઓળખ એક વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે થઈ હતી.
પોલીસ અધિકારીએ તેની મદદ કરવાની આડમાં તેની સાથે સંપર્ક જાળવી રાખ્યો અને ત્યારબાદ તેની સાથે બળજબરીથી જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાએ જણાવ્યું હતું કે આ મામલે તેને એક વકીલનો સંપર્ક કર્યો હતો. વકીલ સાથેની વાતચીત દરમિયાન તેને પોતાના અંગત જીવનની ગોપનીય વિગતો આપી હતી. આ પછી મહિલાએ વકીલ સામે પણ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે વકીલે તેની સંમતિ વગર આ ગોપનીય માહિતી મીડિયામાં જાહેર કરી હતી,
મહિલાએ આ અંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI)માં ફરિયાદ કરી હતી, જેના પગલે વકીલ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરાઈ હતી. BCI નીશિસ્ત સમિતિએ વકીલને વ્યાવસાયિક ગેરવર્તન માટે દોષિત ઠેરવ્યો હતો અને તેનું લાઇસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું હતું થતાં વકીલને ફરિયાદી મહિલાને રૂા. ૩ લાખ અને BCI ને રૂા.૨ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
જોકે શિસ્ત સમિતિના આદેશને બંને પક્ષોએ બોમ્બે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે શુક્રવારના પોતાના આદેશમાં બંને પક્ષોને રૂા.૫-૫ લાખનો દંડ ફટકાર્યો હતો. ખંડપીઠે કડડ શબ્દોમાં કહ્યું હતું કે ન્યાયની વ્યવસ્થા કોઈ પક્ષને પોતાનો હિસાબ સરભર કરવા, પોતે જ જોખમમાં મૂકેલી પ્રતિષ્ઠા બચાવવા અથવા તો પોતે જ ઊભા કરેલા વિવાદમાંથી લાભ મેળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી કોઈ સુવિધા નથી.(
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
