News of Sunday, 25th October 2026
"ન્યાયતંત્ર સત્તાના દબાણથી મુક્ત હોવું જોઈએ": ભૂતપૂર્વ SC ન્યાયાધીશના પુસ્તકના આધારે કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહારો
જસ્ટિસ સંજય કિશન કૌલના સંસ્મરણના અંશો ટાંકીને ન્યાયિક નિમણૂકોમાં સરકારી દખલગીરી અંગે જયરામ રમેશે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલના હજુ સુધી પ્રકાશિત ન થયેલા પુસ્તકના અંશોને ટાંકીને કોંગ્રેસે રવિવારે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીએ દાવો કર્યો છે કે વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ન્યાયિક નિમણૂકોમાં સરકારની કથિત દખલગીરી અને કેસોની ફાળવણીમાં દખલગીરીના દાવાઓએ દેશની ન્યાયપ્રણાલીની સ્વતંત્રતા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક મીડિયા રિપોર્ટને ટાંકીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે જસ્ટિસ કૌલના આગામી પુસ્તક "વિથઆઉટ ફિયર ઓર ફેવર" ના પ્રકાશન પહેલાના હસ્તપ્રતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, હસ્તપ્રતમાં દાવો કરાયો છે કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ન્યાયિક નિમણૂકો અંગે સરકાર પ્રત્યે ખૂબ જ આદરપૂર્ણ વલણ ધરાવતા હતા. કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી સંસ્થાએ સત્તામાં રહેલા લોકોના દબાણથી સંપૂર્ણપણે મુક્ત રહેવું જોઈએ.
પોતાની પોસ્ટમાં રમેશે ઉમેર્યું કે જસ્ટિસ કૌલે પુસ્તકમાં અનેક ચિંતાજનક ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો છે, જેમાં ન્યાયિક નિમણૂકોમાં કથિત સરકારી દખલગીરી, કોલેજિયમની બેઠકો પહેલાં સરકારની મંજૂરી મેળવવાના પ્રયાસો અને લઘુમતી સમુદાયના ન્યાયાધીશની જાતિ પર સરકાર દ્વારા પ્રશ્ન ઉઠાવવાનો સમાવેશ થાય છે. કોલેજિયમ એ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક તથા ટ્રાન્સફર કરતી પદ્ધતિ છે અને તેમાં વધી રહેલી સરકારી દખલ અંગે જસ્ટિસ કૌલે હવે સ્પષ્ટ રીતે લખ્યું છે.
રમેશે પૂર્વ CJI સામે પણ સવાલો ઉઠાવતા લખ્યું છે કે, જ્યારે ભૂતપૂર્વ CJI જસ્ટિસ ચંદ્રચુડ પોતે સ્વીકારે છે કે સરકાર CJI સાથે વાતચીત કરે છે અને નિમણૂક પ્રક્રિયામાં ભૂમિકા ભજવે છે, ત્યારે ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ચિંતા વધુ તીવ્ર બને છે. કોંગ્રેસ પક્ષની દલીલ છે કે નિમણૂકો પહેલાં સરકારની મંજૂરી મેળવવાની આ પરિપાટીથી કોલેજિયમ સિસ્ટમની સ્વાતંત્ર્યતા પર સવાલો ઊભા થાય છે, જેના કારણે આગામી દિવસોમાં આ પુસ્તકના પ્રકાશન સાથે જ રાજકીય અને ન્યાયિક ક્ષેત્રે વિવાદ વધુ ઉગ્ર બનવાની પૂરેપૂરી શક્યતા છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
