News of Friday, 31st July 2026
"જેમ ક્રોસિનથી કેન્સર ના મટે, તેમ સ્ટેટમેન્ટ્સથી પેપર લીક બંધ ના થાય": ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાનું પ્રથમ ધમાકેદાર ભાષણ!
સંસદના ઉપલા ગૃહમાં એન્ટી-પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન AAP માંથી ભાજપમાં આવેલા સાંસદે NEET વિદ્યાર્થીઓની પીડા વ્યક્ત કરી; કાયદાને ગણાવ્યો દેશનો પ્રથમ સંસ્થાકીય ઉકેલ.

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા બાદ પંજાબથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે પ્રથમ વખત ગૃહમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. દેશમાં ચર્ચિત 'જાહેર પરીક્ષાઓ (અન્યાયી માધ્યમો નિવારણ) સુધારા બિલ, 2026' પર યોજાયેલી આક્રમક ચર્ચા દરમિયાન તેમણે પેપર લીકના દૂષણને કેન્સર જેવા ગંભીર રોગ સાથે સરખાવ્યું હતું. તેમણે કહ્યું કે જેમ ક્રોસિન આપવાથી કેન્સરનો ઈલાજ શક્ય નથી, તેમ માત્ર મીડિયામાં નિવેદનો આપવાથી પેપર લીક જેવી સમસ્યા ઉકેલાશે નહીં, પરંતુ તેના માટે સરકાર દ્વારા લાવવામાં આવેલું આ એન્ટી-પેપર લીક ફ્રેમવર્ક જ કાયમી અને સંસ્થાકીય ઉકેલ સાબિત થશે.
પોતાના સંબોધનમાં રાઘવ ચઢ્ઢાએ NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દેશના કરોડો યુવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે જ્યારે કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરે છે, ત્યારે તેનો આખો પરિવાર પોતાની સુખ-સુવિધાઓ, બચત અને સ્વપ્નો દાવ પર લગાવી દે છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરથી દૂર રહીને, સોશિયલ મીડિયા અને તહેવારોથી અળગા થઈને દિવસના 18-18 કલાક આકરી તપસ્યા કરે છે. પરંતુ જ્યારે પરીક્ષાના દિવસે પેપર લીકની ખબર પડે છે, ત્યારે માત્ર પેપર નથી લીક થતું, પણ તે બાળકની વર્ષોની આકરી મહેનત અને આખા પરિવારના ભવિષ્યના સપનાઓ ભાંગીને ભુકષ્ટો થઈ જાય છે.
NEET વિદ્યાર્થીઓને રાઘવ ચઢ્ઢાનો સંદેશ: "તમારો આક્રોશ વ્યાજબી છે અને તમારી પીડા વાસ્તવિક છે. વડાપ્રધાને એક વાલી તરીકે તમારી ચિંતાઓને સાંભળી છે અને તેના પરિણામે જ આ ઐતિહાસિક એન્ટી-પેપર લીક કાયદો લાવવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનું રક્ષણ કરશે."
નવા બિલની કડક જોગવાઈઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આ કાયદા હેઠળ પેપર લીક કરવા અથવા પરીક્ષામાં ગેરરીતિ આચરવા બદલ દોષિત ઠરેલા ગુનેગારોને 5 થી 10 વર્ષ સુધીની આકરી જેલની સજા અને ₹50 લાખ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. પોતે ભૂતકાળમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ના વિદ્યાર્થી રહી ચૂક્યા હોવાથી વિદ્યાર્થીઓની માનસિક અને શારીરિક યાતનાઓને બરાબર સમજતા હોવાનું જણાવી તેમણે આ કાયદાને દેશના યુવા ધન માટે એક સુરક્ષા કવચ ગણાવ્યું હતું.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
