News of Sunday, 28th June 2026
કૈલાશ માનસરોવર યાત્રા પર સંકટ: ચીન દ્વારા વિઝા ન અપાતા 52 ભારતીય યાત્રિકો નેપાળમાં ફસાયા, વિદેશ મંત્રાલયને દખલ કરવા અપીલ
તિબેટ એન્ટ્રી પરમિટ ન મળતાં કાઠમંડુમાં છેલ્લા 8 દિવસથી અટવાયેલા યાત્રિકો, પ્રાઈવેટ ટૂર ઓપરેટર પર છેતરપિંડીનો આક્ષેપ, ચીને સુરક્ષા કારણોસર ગ્રુપ વિઝા રોક્યા હોવાની ચર્ચા, MEA એ કહ્યું - ‘બિન-માન્યતા પ્રાપ્ત એજન્ટથી બચો’, યાત્રિકોના પરિવારજનોમાં ચિંતા

કાઠમંડુ : કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળેલા 52 ભારતીય યાત્રિકો ચીન દ્વારા તિબેટ એન્ટ્રી પરમિટ ન અપાતા છેલ્લા 8 દિવસથી નેપાળની રાજધાની કાઠમંડુમાં ફસાયા છે. યાત્રિકોએ આક્ષેપ કર્યો છે કે પ્રાઈવેટ ટૂર ઓપરેટરે વિઝા અને પરમિટની ખોટી બાંયધરી આપીને તેમને નેપાળ બોલાવ્યા હતા.
ફસાયેલા યાત્રિકોમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીના શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. યાત્રિક રમેશ પટેલે ફોન પર જણાવ્યું કે, "અમે 12 લાખ રૂપિયા ભરીને યાત્રા બુક કરાવી હતી. અહીં આવ્યા બાદ કહેવામાં આવે છે કે ચીને વિઝા રોકી દીધા છે. હોટલનું ભાડું અમારે જ ભોગવવું પડે છે."
સૂત્રો મુજબ, સરહદ પર તણાવ અને સુરક્ષા કારણોસર ચીને હાલ પૂરતું ગ્રુપ વિઝા આપવાનું બંધ કર્યું છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ મામલે એડવાઈઝરી જાહેર કરી છે. MEA એ સ્પષ્ટ કર્યું કે યાત્રિકોએ માત્ર ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત KMY પોર્ટલ પરથી જ યાત્રા બુક કરાવવી.
નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે ફસાયેલા યાત્રિકોનો સંપર્ક કર્યો છે અને તેમને વહેલી તકે ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરાઈ રહી છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
