<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

કર્ણાટક કોંગ્રેસમાં હલચલ: મંચ પરથી "ડીકે-ડીકે" ના નારા ગુંજતા જ મલ્લિકાર્જુન ખડગે લાલચોળ : કાર્યકરોને ખખડાવ્યા

બેંગલુરુના સંકલ્પ સમાવેશમાં શિસ્તભંગ બદલ એક્શનની ચેતવણી આપતા કોંગ્રેસ અધ્યક્ષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આયોજિત કોંગ્રેસના હાઈ-પ્રોફાઈલ "સંકલ્પ સમાવેશ" કાર્યક્રમમાં તે સમયે ભારે હોબાળો મચી ગયો, જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાર્યકરોની અશિસ્ત જોઈને મંચ પર જ લાલચોળ થઈ ગયા હતા. બન્યું એવું કે જ્યારે ખડગે સંબોધન કરવા ઊભા થયા, ત્યારે ઉત્સાહમાં આવેલા કેટલાક કાર્યકરો અચાનક સ્ટેજની નજીક પહોંચી ગયા અને મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના સમર્થનમાં "ડીકે-ડીકે" ના જોરદાર નારા લગાવવાનું શરૂ કરી દીધું. વારંવાર પ્રમુખના ભાષણમાં અવરોધ ઊભો કરીને થઈ રહેલી આ નારેબાજીથી ખડગેનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેમણે ભરચક સભામાં માઇક પરથી જ કોંગ્રેસી કાર્યકરોનો જોરદાર ઉધડો લઈ લીધો હતો.

પોતાના ૫૮ વર્ષના બહોળા રાજકીય અનુભવનો હવાલો આપતા મલ્લિકાર્જુન ખડગેએ સ્ટેજ પરથી જ ગર્જના કરી હતી કે, "શું અહીં આવા નારા લગાવવાથી આખો દેશ પ્રભાવિત થઈ જશે? આ કોઈ એક વ્યક્તિનો પ્રમોશન કાર્યક્રમ નથી, આ પાર્ટીનો કાર્યક્રમ છે." તેમણે કડક શબ્દોમાં સંભળાવ્યું કે કોંગ્રેસ કોઈ એક નેતાના દમ પર નહીં પરંતુ મજબૂત સંગઠનના બળ પર ચાલે છે. ખડગેએ વધુમાં ઉમેર્યું કે ઘણા નેતાઓનું યોગદાન મર્યાદિત હોવા છતાં કોંગ્રેસે તેમને દેશમાં એક મોટું પ્લેટફોર્મ અને ઓળખ આપી છે, તેથી કોઈએ પણ પક્ષની શિસ્તની મર્યાદા ઓળંગવી જોઈએ નહીં.

આ ઘટનાથી વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે મંચ પર હાજર મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પોતે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને તેઓ વડાપ્રધાનની જેમ હાથના ઈશારે પોતાના જ સમર્થકોને શાંત રહેવા વિનંતી કરતા જોવા મળ્યા હતા. ખડગેએ આટલેથી જ ન અટકતા નારાબાજી કરનારાઓ સામે આકરા પગલાં લેવાની જાહેરાત કરી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ આખા કાર્યક્રમનું વીડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને ફૂટેજના આધારે શિસ્તભંગ કરનારા તમામ તત્વોની ઓળખ કરીને તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવાશે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીની ચર્ચાઓ ફરી તેજ બની છે.

(6:20 PM IST)