તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 18th July 2026
કાશ્મીરી ફળોનો વિદેશમાં જલવો! સિંગાપોરના બજારમાં ધૂમ મચાવવા પહોંચ્યા પ્રીમિયમ 'ચેરી અને પ્લમ્સ'
UAE બાદ હવે સિંગાપોરમાં મોકલાયું કાશ્મીરના શાહી સ્વાદનું પ્રથમ શિપમેન્ટ: વૈજ્ઞાનિક પદ્ધતિથી પેકિંગ અને કોલ્ડ ચેઈન ટ્રાન્સપોર્ટ, ખેડૂતોને મળશે ૫૦ ટકા વધુ નફો

શ્રીનગર : પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરની સુંદરતાની જેમ જ ત્યાંના મીઠા અને રસદાર ફળો પણ હવે સમગ્ર વિશ્વને પોતાના દીવાના બનાવી રહ્યા છે. કાશ્મીરના શોપિયન અને પુલવામા જિલ્લાના પ્રખ્યાત 'અરેકો ચેરી' (હાઈ-ડેન્સિટી યુરોપિયન સ્વીટ ચેરી) અને 'સેન્ટ્રોઝ પ્લમ્સ' (આલુ) ની પ્રથમ ઐતિહાસિક નિકાસ સિંગાપોરના બજારમાં સફળતાપૂર્વક કરવામાં આવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી આ સિદ્ધિથી ભારતની બાગાયતી પેદાશોની વૈશ્વિક પહોંચમાં એક નવો સીમાચિહ્ન ઉમેરાયો છે.
દુબઈ-અબુ ધાબી બાદ હવે સિંગાપોર બન્યું દીવાનું:
આ અગાઉ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબુ ધાબી અને દુબઈ જેવા મોટા શહેરોમાં કાશ્મીરી ફળોની નિકાસ ધમાકેદાર રહી હતી. આ અપાર સફળતા બાદ ભારત સરકારની સંસ્થા 'એપીઈડીએ' (APEDA - કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી) એ સ્થાનિક ખેડૂતોના સંગઠનો ઓસમ ફૂડ સોલ્યુશન્સ અને ફ્રૂટ માસ્ટર એગ્રો ફ્રેશના સહયોગથી સિંગાપોર માટે આ પ્રથમ શિપમેન્ટને લીલી ઝંડી આપીને રવાના કર્યું હતું.
વૈજ્ઞાનિક પેકિંગ અને હાઈટેક લોજિસ્ટિક્સનો કમાલ:
આંતરરાષ્ટ્રીય બજારમાં કાશ્મીરી ફળોની તાજગી અને સ્વાદ જળવાઈ રહે તે માટે લોજિસ્ટિક્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ નિકાસ કન્સાઇન્મેન્ટને વૈજ્ઞાનિક પદ્ધતિથી કાપણી કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ખાદ્ય સલામતી અને ફાયટોસેનિટરી (વનસ્પતિ આરોગ્ય) ધોરણો મુજબ ગ્રેડિંગ અને પેકિંગ કરવામાં આવ્યું હતું. ફળો બગડે નહીં તે માટે અત્યાધુનિક કોલ્ડ ચેઈન નેટવર્ક દ્વારા તેને સિંગાપોર પહોંચાડવામાં આવ્યા છે, જેથી ત્યાંના ગ્રાહકોને પણ બગીચા જેવી જ તાજગીનો અહેસાસ થાય.
ખેડૂતોની કમાણીમાં થશે ૫૦ ટકાનો બમ્પર વધારો:
આ આંતરરાષ્ટ્રીય નિકાસથી જમ્મુ-કાશ્મીરના ફળ ઉત્પાદક ખેડૂતોના નસીબ ખુલી જશે. પરંપરાગત સ્થાનિક બજારોની સરખામણીએ વિદેશી બજારમાં આ પ્રીમિયમ ફળો વેચવાથી ખેડૂતોને ૫૦ ટકાથી વધુનું વળતર (નફો) મળવાની આશા છે. આ પહેલથી ખેડૂતોમાં આધુનિક ખેતી અને વૈજ્ઞાનિક લણણી પદ્ધતિઓ અપનાવવાનો ઉત્સાહ વધશે, લણણી પછીનું નુકસાન ઘટશે અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ફળ ઉગાડતા સમુદાયો માટે ટકાઉ આજીવિકાની નવી તકો ઉભી થશે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
