News of Tuesday, 7th July 2026
કેરળ બનવા જઈ રહ્યું છે ભારતનું 'જાપાન': વસ્તી વિષયક રિપોર્ટથી સામાજિક આર્થિક મોરચે ખતરાની ઘંટડી
સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્યમાં દર પાંચમી વ્યક્તિ વરિષ્ઠ નાગરિક ; ઘટતો જન્મદર, ઉત્તમ હેલ્થકેર અને યુવાનોના વિદેશ સ્થળાંતરે વધારી મુશ્કેલીઓ

તિરુવનંતપુરમ : પોતાના ૧૦૦ ટકા સાક્ષરતા દર અને મજબૂત હેલ્થકેર સિસ્ટમ માટે સમગ્ર વિશ્વમાં પ્રશંસા મેળવનાર કેરળ રાજ્ય હવે એક અત્યંત ગંભીર સામાજિક અને વસ્તી વિષયક (ડેમોગ્રાફિક) કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ના સનસનાટીભર્યા આંકડાઓ દર્શાવે છે કે કેરળની વસ્તી ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ રહી છે, જેની સરખામણી વૈશ્વિક નિષ્ણાતો જાપાન જેવા દેશ સાથે કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, કેરળમાં વરિષ્ઠ નાગરિકોનો હિસ્સો દેશભરમાં સૌથી વધુ એટલે કે ૨૦.૭ ટકાએ પહોંચી ગયો છે, જેનો અર્થ એ થાય કે રાજ્યનો દર પાંચમો નાગરિક હવે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનો છે. ચિંતાની વાત એ છે કે જાપાન પાસે આ સ્થિતિને સંભાળવા માટે મજબૂત અર્થતંત્ર છે, જ્યારે કેરળ પાસે આવી કોઈ સામાજિક સુરક્ષા વ્યવસ્થા નથી.
નિષ્ણાતોના મતે કેરળની વસ્તી આટલી ઝડપથી વૃદ્ધ થવા પાછળ મુખ્યત્વે ત્રણ મોટા પરિબળો જવાબદાર છે. પ્રથમ તો રાજ્યમાં કુલ પ્રજનન દર (TFR) લાંબા સમયથી રિપ્લેસમેન્ટ સ્તર કરતા ઘણો નીચે રહ્યો છે, જેના લીધે નવા બાળકોનો જન્મદર સાવ ઘટી ગયો છે અને યુવા વસ્તી સંકોચાઈ રહી છે. બીજું કારણ એ છે કે અહીંની ઉત્તમ તબીબી સુવિધાઓને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે, જે આવકારદાયક હોવા છતાં આર્થિક બોજ વધારે છે. ત્રીજું અને સૌથી ગંભીર કારણ એ છે કે રોજગાર અને ઉચ્ચ શિક્ષણની શોધમાં કેરળના લાખો સક્ષમ યુવાનો ગલ્ફ દેશો, અમેરિકા કે યુરોપ તરફ સ્થળાંતર (માઇગ્રેશન) કરી રહ્યા છે, જેના કારણે રાજ્યના ગામડાઓ અને શહેરોમાં માત્ર એકલવાયા વૃદ્ધો જ બચ્યા છે.
આ બદલાતી વસ્તી વિષયક સ્થિતિ કેરળ અને સમગ્ર ભારત માટે એક મોટી ચેતવણી સમાન છે. જાપાન પાસે વૃદ્ધો માટે વિશ્વની શ્રેષ્ઠ પેન્શન યોજનાઓ અને નર્સિંગ કેર સિસ્ટમ છે, જ્યારે ભારતમાં મોટાભાગના વરિષ્ઠ નાગરિકો આર્થિક અને શારીરિક રીતે તેમના પરિવારો પર નિર્ભર છે અને દેશમાં પ્રોફેશનલ કેરટેકર્સની ભારે અછત છે. વસ્તીશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો રાજ્યના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેન્શન બજેટ પર અસહ્ય તાણ આવશે તથા કામ કરનારા યુવાનોની અછતને લીધે આર્થિક વિકાસની ગતિ સાવ મંદ પડી જશે. આ રિપોર્ટ આગામી સમયમાં ભારતના અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ સર્જાવાના સંકેત આપી રહ્યો છે, જેથી સરકારે અત્યારથી જ લાંબા ગાળાની વરિષ્ઠ સુરક્ષા નીતિઓ ઘડવી અનિવાર્ય બની ગઈ છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
