News of Thursday, 18th June 2026
'ધ કેરલ સ્ટોરી 2' ફરી કાનૂની વિવાદમાં સપડાઈ :હાઇકોર્ટે નિર્માતા વિપુલ શાહને નોટિસ ફટકારી : ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
ફિલ્મની કેટલીક બાબતો કેરળ રાજ્યની છબીને નુકસાન પહોંચાડે છે અને લોકોમાં ભ્રમ ફેલાવી શકે: સામાજિક સંવાદિતા અને રાષ્ટ્રીય એકતા પર અસર કરી શકે છે. સાથે જ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ એકવાર ફરી કાનૂની વિવાદમાં ઘેરાઈ છે. કેરળ હાઇકોર્ટે ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહને નોટિસ ફટકારી છે અને ફિલ્મના શીર્ષક તથા તેના કન્ટેન્ટ સામે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર જવાબ માંગ્યો છે. અરજીમાં ફિલ્મના પ્રમાણપત્રને પડકારવામાં આવ્યું છે તેમજ ટાઇટલમાંથી ‘કેરળ’ શબ્દ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો કે ફિલ્મ પહેલેથી જ રિલીઝ થઈ ચૂકી હોવાથી અરજી હજુ પણ પ્રાસંગિક છે કે નહીં.
અરજદારનું કહેવું છે કે ફિલ્મનો વિવાદ માત્ર થિયેટર રિલીઝ પૂરતો મર્યાદિત નથી. ફિલ્મ હાલમાં OTT પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હોવાથી તેની પહોંચ સતત વધી રહી છે અને દર્શકો તેને હજુ પણ જોઈ રહ્યા છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ફિલ્મની કેટલીક બાબતો કેરળ રાજ્યની છબીને નુકસાન પહોંચાડે છે અને લોકોમાં ભ્રમ ફેલાવી શકે છે. આ કારણસર ફિલ્મના પ્રદર્શન અને પ્રમાણપત્ર બંને અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફિલ્મની કેટલીક સામગ્રી ચોક્કસ સમુદાયો વિશે નકારાત્મક ધારણાઓ ઉભી કરી શકે છે. અરજદારના મતે, આ પ્રકારનું પ્રસ્તુતિકરણ સામાજિક સંવાદિતા અને રાષ્ટ્રીય એકતા પર અસર કરી શકે છે. સાથે જ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલી દલીલોમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મની સામગ્રીને લઈને વધુ વિગતવાર તપાસ થવી જરૂરી છે.
આ કેસમાં ફિલ્મ પ્રસારિત કરનાર OTT પ્લેટફોર્મને પણ પક્ષકાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરજદારનું કહેવું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ ઉપલબ્ધ હોવાથી તેની સામગ્રી અંગે જવાબદારી નિર્ધારિત થવી જોઈએ. કોર્ટ સમક્ષ ઇમેઇલ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને અન્ય દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. હવે હાઇકોર્ટ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આગામી કાર્યવાહી અંગે નિર્ણય કરશે જેના પર ફિલ્મ ઉદ્યોગ અને દર્શકોની નજર ટકેલી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
